‘વડાપ્રધાન મોદી નફરત ફેલાવે છે, અગ્નિવીર યોજના સૈન્ય પર થોપી...’ પૂર્વ વડાપ્રધાન મનમોહનનો પત્ર
Former PM Manmohan Singh Attack on PM Narendra Modi : લોકસભા ચૂંટણીનું છ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ પહેલી જૂને સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. જોકે તે પહેલા પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહે આજે (30 મે) પંજાબના લોકોનો ઉલ્લેખ કરી એક પત્ર લખ્યો છે. તેમણે ભાજપ સરકાર દ્વારા પંજાબ અને ત્યાં લોકો સાથે કરેલા વ્યવહાર પર ચિંતા વ્યક્ત કરી છે.
પીએમ મોદીએ ચૂંટણીમાં દ્વેષપૂર્ણ ભાષણો કર્યા : મનમોહન સિંહ
તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી વધુ નફરત ફેલાવતા દ્વેષપૂર્ણ ભાષણો કર્યા છે, જે સંપૂર્ણ વિભાજકારી પ્રકૃતિના છે. અગાઉના કોઈપણ વડાપ્રધાને સમાજના કોઈ વિશેષ વર્ગ અથવા વિપક્ષ પર નિશાન સાધવા માટે આવા દ્વેષપૂર્ણ, અસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો નથી.
મોદીએ મારા વિશે પણ ખોટા નિવેદનો કર્યા : પૂર્વ વડાપ્રધાન
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘હું આ ચૂંટણી અભિયાનો દરમિયાન રાજકીય ચર્ચાઓને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છું. વડાપ્રધાન મોદીએ ખૂબ જ ઘૃણાસ્પદ ભાષણો કર્યા છે, જે સંપૂર્ણ વિભાજનકારી છે. મોદી પહેલા એવા વડાપ્રધાન છે, જેમણે જાહેર સંવાદ અને વડાપ્રધાન પદની ગરીમાને ઠેસ પહોંચાડી છે. આ પહેલાના કોઈપણ વડાપ્રધાને કોઈ ખાસ વર્ગ અથવા વિપક્ષ પર નિશાન સાધવા માટે આવા દ્વૈષપૂર્ણ, અસંસદીય અને હલકી ગુણવત્તાવાળાના શબ્દોનો ઉપયોગ કર્યો નથી. તેમણે મારા વિશે પણ ખોટા નિવેદનો કર્યા છે. મેં મારા જીવનમાં ક્યારેય કોઈ એક સમાજને અન્યોથી અલગ કર્યા નથી. આ ભાજપ (BJP)ની આદત છે.’
‘દેશભક્તિ, શૌર્ય અને સેવાનું મૂલ્ય માત્ર ચાર વર્ષ’
મનમોહન સિંહે સાતમાં તબક્કામાં પહેલી જૂને યોજાનાર મતદાન પહેલા પંજાબના મતદારોને અપીલ કરી દાવો કર્યો છે કે, માત્ર કોંગ્રેસ (Congress) જ વિકાસલક્ષી પ્રગતિશીલ ભવિષ્યની ખાતરી કરી શકે છે તેમજ લોકશાહી અને બંધારણનું રક્ષણ કરી શકે છે. તેમણે સેના પર અગ્નિવીર યોજના (Agniveer Yojana) થોપવાનો પણ આક્ષેપ કરીને લખ્યું છે કે, ભાજપ વિચારે છે કે, દેશભક્તિ, શૌર્ય અને સેવાનું મૂલ્ય માત્ર ચાર વર્ષ છે. આ તેમનો નકલી રાષ્ટ્રવાદ દર્શાવે છે.