આંતર રાષ્ટ્રિય મહિલા દિવસે મોદીએ ગેસ સીલીન્ડરના ભાવ રૂ. 100 ઘટાડયા
- આ પૂર્વે કેન્દ્ર સરકારે ઉજવલા યોજના નીચે ગરીબ મહિલાઓ માટે રૂ. 300ની સબસીડી આગામી વર્ષ સુધી ચાલુ રાખવા નિર્ણય કર્યો હતો
નવી દિલ્હી : આજના આંતર રાષ્ટ્રિય મહિલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસના સીલીન્ડરના ભાવમાં રૂ. ૧૦૦નો ઘટાડો જાહેર કર્યો છે. પોતાના ઠ હેન્ડલ ઉપર આ જાહેરાત કરતાં વડાપ્રધાને લખ્યું હતું કે, આજે મહિલા દિવસે અમારી સરકારે એલપીજી ગેસ સીલીન્ડરના ભાવમાં રૂ. ૧૦૦નો ઘટાડો કરવા નિર્ણય કર્યો છે. તેથી દેશમાં લાખ્ખો ગૃહીણીઓને જેને નારી શક્તિ કહીએ છીએ તેમને ખર્ચમાં ઘણી રાહત થશે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે રાંધણ ગેસ આરોગ્ય પ્રદ પર્યાવરણ માટે પણ સહાયરૂપ થશે. સાથે લાખ્ખો કુટુંબોના તે હિતમાં હશે. અમારો આ નિર્ણય મહિલા સશક્તિકરણ તેમજ મહિલાઓના જીવનને સરળ બનાવવાના હેતુથી લેવામાં આવ્યો છે.
દરમિયાન કેન્દ્ર સરકારે સીલીન્ડર દીઠ રૂ. ૩૦૦ની સબસીડી જે ગરીબ મહિલા માટે અપાય છે. તે આગામી નાણાકીય વર્ષ (૧લી એપ્રિલથી) વધુ એક વર્ષ સુધી ચાલુ રાખવા નિર્ણય કર્યો છે.
ગત વર્ષના ઓકટોબર મહિનાથી ૧૪.૨ કિ.ગ્રા.ના ગેસ સીલીન્ડર ઉપરની સબસીડી રૂ. ૨૦૦ થી વધારી રૂ. ૩૦૦ સુધી જાહેર કરી હતી. જે વાસ્તવમાં દર વર્ષે ૧૨ સીલીન્ડર પુરતી મર્યાદિત હતી. આ સબસીડી (સહાયક આપૂર્તિ) આ વર્ષે તા. ૩૧મી માર્ચે પૂરી થઈ જાય છે. પરંતુ હવે તે વધુ એક નાણાકીય વર્ષ તા. ૧ એપ્રિલ ૧૯૨૪ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. સાથે સીલીન્ડર દીઠ ભાવમાં રૂ. ૧૦૦નો પણ ઘટાડો કરવામાં આવ્યો છે.