'PM મોદી સત્તા માટે જુઠ બોલે છે, તે કંઈ પણ કરી શકે છે', પંજાબમાં પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહાર

Updated: May 27th, 2024


Google NewsGoogle News
'PM મોદી સત્તા માટે જુઠ બોલે છે, તે કંઈ પણ કરી શકે છે', પંજાબમાં પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહાર 1 - image


Lok Sabha Elections 2024 |  કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ રવિવારે કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સત્તામાં રહેવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે. પંજાબમાં ન્યાય સંકલ્પ રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ખેડૂતો પ્રત્યે કોઇ જ આદર કે સન્માન નથી. તેઓ સત્તા માટે કઇ પણ કરી શકે છે. કૃષિ કાયદા સામેના આંદોલનમાં 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો. જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી યોજાવાની હતી તેના થોડા સમય પહેલા જ મોદીએ આ કાયદા પરત લીધા, જે દર્શાવે છે કે ખેડૂતો માટે કઇ નહીં પણ સત્તા માટે મોદી કઇ પણ કરી શકે છે. સત્તા મેળવવા માટે મોદી જુઠ બોલી રહ્યા છે.   

ફતેહગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ડો. અમરસિંહ માટે યોજાયેલી પ્રચાર રેલીને સંબોધતા પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે ખેડૂતોનું સન્માન જાળવવું તે દેશની પરંપરા રહી છે. જોકે છેલ્લા 10 વર્ષમાં વર્તમાન કેન્દ્ર સરકારે માત્ર ઠાલા વચનો જ આપ્યા છે કઇ કર્યું નથી. જો કેન્દ્રમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો ટેકાના ભાવ માટે કાયદો ઘડવામાં આવશે, પાકના નુકસાનની ભરપાઇ એક મહિનામાં જ કરી દેવામાં આવશે. ખેતી માટેના સાધનોની ખરીદી પર જીએસટી માફ કરવામાં આવશે. 

જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદીના મુજરા અંગેના નિવેદન પર વળતો જવાબ આપ્યો હતો, બિહારના સાસારામમાં રેલીને સંબોધતા ખડગેએ કહ્યું હતું કે મોદી પોતાને તીસ માર ખા સમજે છે. તેઓ ખોટા વહેમમાં છે. સાચા તીસ માર ખા જનતા છે. મોદી તાનાશાહ જેવા છે. જો તેઓ ત્રીજી વખત સત્તા પર આવશે તો લોકોને સ્વતંત્ર રીતે બોલવા નહીં દે. લોકો બોલવાના પોતાના અધિકારોનો ઉપયોગ નહીં કરી શકે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે હિમાચલમાં પુર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે મોદી 9 હજાર કરોડ રૂપિયા ના આપી શક્યા પણ છેલ્લા 10 વર્ષમાં તેમણે 22 ધનવાનોના 16 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા. જ્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના સાલેમપુરમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર દેખાઇ રહી હોવાથી મોદીએ આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે અને તેથી પોતાના ભાષણમાં તેઓ ખચકાતા જોવા મળી રહ્યા છે.  


Google NewsGoogle News