ભારતના પાડોશી દેશોના મહાનુભાવોને શપથવિધિ સમયે ઉપસ્થિત રહેવા મોદીનું આમંત્રણ : પાક. બાકાત
- જો બાયડેન જેક સુલ્લીવાનને મોકલશે
- વિશ્વના અગ્રીમ નેતાઓએ મોદીને અભિનંદનો પાઠવ્યાં તે પૈકી જો બાયડન સૌથી પહેલા વિદેશી મહાનુભાવ હતા
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવાના છે તે સમયે ઉપસ્થિત રહેવા તેઓએ પોતે જ પાડોશી દેશો તેમજ મિત્રદેશોના મહાનુભાવોને ઉપસ્થિત રહેવા બુધવારે આમંત્રણ પાઠવ્યાં છે. પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને ફોન કર્યો નથી. તે માટે તેવું કારણ દર્શાવાયું છે કે તેઓ હાલ ચીનની પાંચ દિવસની મુલાકાતે છે, અને તેઓ ૧૦મી જૂને પરત આવવાના છે.
નિરીક્ષકો પૈકી કેટલાકનું કહેવું તેમ પણ છે કે છેવટે પાકિસ્તાનના વડાપ્રધાનની ઓફીસમાં તો ફોન કરી શકાત. ટૂંકમાં શરીફને હજી સુધીમાં ન પાઠવેલું આમંત્રણ થોડામાં ઘણું કહી જાય છે. જો કે ૨૦૧૪માં મોદીએ પહેલી વખત શપથ લીધા ત્યારે સાર્ક દેશોના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યાં હતાં ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન પદે રહેલા નવાઝ શરીફ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેશે ત્યારે બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખહસીના શ્રીલંકાના પ્રમુખ રેનીલ વિક્રમસિંઘે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ (પ્રચંડ), ભૂતાનના વડા પ્રધાન ત્સેરિંગ તોબગે તથા મોરીશ્યસના પ્રવિંદ જગન્નાથ ઉપસ્થિત રહેનારા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી પહેલાં જગન્નાથે જ અભિનંદનો આપ્યાં હતાં. બીજી તરફ વિશ્વ મહાસત્તાઓ પૈકી અમેરિકાના પ્રમુખ જો બાયડેન મોદીને અભિનંદનો આપવામાં સૌથી પહેલા હતા. તેઓએ નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે તેમજ તેમના પક્ષને પણ અભિનંદનો પાઠવ્યાં હતાં. એન.ડી.એ. સરકાર રચાવાની પૂરી ખાત્રી હોવાથી જો બાયડેન, તેઓના પ્રતિનિધિ તરીકે અમેરિકાના સિક્યોરિટી એડવાઇઝર જેક સુલ્લીવાનને મોકલશે.
વાસ્તવમાં જેક સુલ્લીવાન એપ્રિલમાં જ ભારત ચાલવાના હતા; પરંતુ ઇઝરાયલ ઇરાન તંગદિલી તથા પન્નુન ઘટના (તેની હત્યાના પ્રયાસ)ને લીધે જેક સુલ્લીવાનની મુલાકાત મુલત્વી રહી હતી. તે વખતે પન્નુન ઘટનાને લીધે બંને દેશોમાં જરા તંગદિલી પણ હતી.
નરેન્દ્ર મોદીના ત્રીજી વખતના વિજયને ઐતિહાસિક કહેતાં વ્હાઇટ હાઉસનું પત્ર જણાવે છે કે ભારતની નવી સરકાર યુએસ-ભારત તેમ બંનેની પ્રાથમિકતાઓમાં બંને સહભાગી છે. તેમાં વિશ્વસનીય વ્યૂહાત્મક ટેકનોલોજીની ભાગીદારી પણ સમાવિષ્ટ છે.