પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો ભાવ વર્ષ 2004 જેટલા કરવાની કોંગ્રેસની માગ
સરકાર પેટ્રોલનો ભાવ રૂ.60થી ઓછો કરે: રાહુલ
2004માં ક્રૂડનો ભાવ 35થી 38 ડોલર હતો ત્યારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરનો ભાવ અનુક્રમે 37.84, 26.28 અને 281.60 હતો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૧
ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને ૩૦ ડોલરની આસપાસ થઇ ગયા છે ત્યારે સરકારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં ધરખમ ઘટાડો કરવો જોઇએ અને આ ત્રણેયના ભાવ વર્ષ ૨૦૦૪ના સ્તરે લઇ જવા જોઇએ તેમ કોંગ્રેસે માગ કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલના ભાવ ૬૦ રૃપિયાથી નીચે લઇ જવાની માગ કરી છે.
કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માગ કરી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટર પર વડાપ્રધાન મોદીને સંબોધીને જણાવ્યું છે કે તમે કોંગ્રેસની ચૂંટાયેલી સરકારને પાડવામાં એટલા વ્યસ્ત છો કે તમે એ જોવાનું ભૂલી ગયા કે વૈશ્વિક ઓઇલના ભાવમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે મોદી-શાહે પેટ્રોલ અને ડીઝલના ભાવ તાત્કાલિક ઘટાડી ક્રૂડના ઘટેલા ભાવનો લાભ પ્રજાને આપવો જોઇએ.
સૂરજેવાલાએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લા ૧૫ વર્ષની નીચલી સપાટીએ આવી ગયા છે. હાલમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૩૫ થી ૩૮ ડોલર થઇ ગયો છે. ક્રૂડનો આ ભાવ વર્ષ ૨૦૦૪માં હતો.
તેમણે જણાવ્યું હતું કે ૨૦૦૪માં ક્રૂડનો ભાવ ૩૫થી ૩૮ ડોલર હતો ત્યારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરનો ભાવ અનુક્રમે ૩૭.૮૪ રૃપિયા, ૨૬.૨૮ રૃપિયા અને ૨૮૧.૬૦ રૃપિયા હતો. આજે જ્યારે ક્રૂડ ફરીથી ૨૦૦૪ના ભાવે આવી ગયો છે તો પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ પણ વર્ષ ૨૦૦૪માં હતાં તેટલા થઇ જવા જોઇએ.
સૂરજેવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અબજો રૃપિયા કમાઇ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ નાખીને ભાજપ સરકારે ૧૬ લાખ કરોડ રૃપિયાથી વધારાની લૂટ ચલાવી છે.
સૂરજેવાલાએ જણાવ્યું હતું કે ૨૦૧૪માં પેટ્રોલ પર ૯.૨ રૃપિયા અને ડીઝલ પર ૩.૪૬ રૃપિયા એકસાઇઝ ડયુટી હતી. જે હાલમાં વધારીને પેટ્રોલ પર ૧૯.૯૮ રૃપિયા અને ડીઝલ પર ૧૫.૮૩ રૃપિયા વસુલ કરવામાં આવે છે.