'અદાણી સામેના લાંચના આરોપોની CBI તપાસ થવી જોઈએ', વિપક્ષી દળોનું હલ્લાબોલ
Gautam Adani charged with alleged bribery scheme : દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાના સનસનીખેજ આરોપ લગાવાયા છે. અમેરિકામાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં ભારતીય અધિકારીઓને 25 કરોડ ડૉલર (આશરે 2236 કરોડ રૂપિયા)ની લાંચ આપવાની તૈયારી બતાવી હતી. હવે આ મામલે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. વિપક્ષોનું કહેવું છે કે, ‘અદાણી સામેના લાંચના આરોપોની CBI તપાસ થવી જોઈએ. તેમની ધરપકડ કરવામાં આવે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિવેદન આપવું જોઈએ. આ ભારતની પ્રતિષ્ઠાનો મામલો છે.’ તો બીજીતરફ અદાણી ગ્રૂપે પણ આ મામલે નિવેદન આપ્યું છે.
વિપક્ષોના આક્ષેપ બાદ અદાણી ગ્રૂપે પણ આપ્યો વળતો જવાબ
વિપક્ષી પક્ષોએ ગુરુવારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેના આરોપોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે અને આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) તપાસની માંગ કરી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અદાણીની તાત્કાલિક ધરપકડ કરવાની અને પૂછપરછ કરવાની માંગ કરી છે, તો બીજીતરફ અદાણી ગ્રૂપે અમેરિકી અધિકારીઓ દ્વારા કરાયેલા લાંચના આરોપો પાયાવિહોણા ગણાવ્યા છે, તેમણે ઉમેર્યું હતું કે જૂથ દ્વારા તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : કેન્યાએ અદાણી ગ્રુપની સાથે થયેલા તમામ કરાર કર્યા રદ, અમેરિકામાં લાગેલા આરોપો બાદ નિર્ણય
અદાણીની તાત્કાલીક ધરપકડ કરો : રાહુલ ગાંધી
અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા ગૌતમ અદાણી સહિત તેમની પેટા કંપની ગ્રીન એનર્જીના બોર્ડ સભ્યો વિરુદ્ધ 250 મિલિયન ડૉલરની છેતરપિંડી અને લાંચના આરોપો પર કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માંગ કરી છે. ગૌતમ અદાણીના રૂ. 2000 કરોડના કૌભાંડ અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ‘હવે તો અમેરિકાએ પણ અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. અદાણીએ ભ્રષ્ટાચાર કરીને મિલકતો ઊભી કરી છે. તેઓ ભાજપનું સમર્થન કરે છે અને આ બધું જ જગજાહેર છે. આમ છતાં, હિન્દુસ્તાનમાં અદાણી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય કારણ કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. મોદીજી કહે છે કે, દેશમાં કોઈ ક્રાઇમ કરે તો જેલમાં ધકેલી દઈશું. હવે તો અમેરિકન એજન્સી કહે છે કે, અદાણીએ ગુનો કર્યો છે, લાંચ આપી છે, ભારતમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે, અદાણીએ ઊંચા ભાવે વીજળી આપી છે. તો પણ તેમને કશું થતું નથી અને વડાપ્રધાન ઇચ્છે તો પણ કંઈ કરી શકે એમ નથી કારણ કે, ભાજપનું સંપૂર્ણ ફંડિંગ અને ફંડિંગ સ્ટ્રક્ચર અદાણીના હાથમાં છે. અદાણીએ હિંદુસ્તાનને હાઇજેક કરી લીધું છે, હિંદુસ્તાન અદાણીની પકડમાં છે.’
અદાણી કેસ અંગે મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું ?
અદાણી કેસમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર પોસ્ટ કર્યું છે કે, ‘જ્યારે ટોચના ભારતીય ઉદ્યોગપતિ પર અન્ય દેશ આરોપ લગાવે છે, ત્યારે તેના કારણે દેશની છબી બગડે છે. વડાપ્રધાન મોદી અને અદાણી દ્વારા ઉભી કરાયેલી મૂડીવાદીઓ, સમાધાનકારી અમલદારો અને કેટલાક રાજકારણીઓની સાંઠગાંઠની તપાસ કરવી જોઈએ અને તેનો નાશ કરવો જોઈએ. આ સાંઠગાઠના કારણે આપણા લોકો, ગરીબ અને મધ્યમ વર્ગ, મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો, MSME, સ્ટાર્ટઅપ્સ અને કરોડો નાના અને મધ્યમ છૂટક રોકાણકારોને ગંભીર રીતે નુકસાન થાય છે, કારણ કે આવા લોકો બચત અને તકોને છીનવીને અસમાનતા વધારે છે.’
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે શું કહ્યું ?
આ મામલે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, 'ગૌતમ અદાણી અને તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ યુએસ એટર્ની ઑફિસ દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપો એ માંગને યોગ્ય ઠેરવી છે.' તેમજ તેમણે કહ્યું હતું કે, 'કોંગ્રેસ જાન્યુઆરી 2023થી વિવિધ કૌભાંડોની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) તપાસ માટે કરી રહી છે.' આ મામલે જયરામ રમેશે 'હમ અદાણી કે હૈ' સિરીઝનો ઉલ્લેખ પણ કર્યો, જેમાં કથિત કૌભાંડો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો અંગે 100 પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
અદાણી ગ્રૂપ પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર : તૃણમુલ
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાગરિકા ઘોષે કહ્યું કે, ‘અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે. ગૌતમ અદાણી એક ઉદ્યોગપતિ છે અને તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ જ નજીકના સંબંધો છે. વિપક્ષ સતત અદાણી ગ્રૂપ સામેના તમામ આરોપોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યો છે. તમામ આરોપોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.' જેપીસી એકમાત્ર સંસ્થા છે, જે આ સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરી શકે છે.’
રાષ્ટ્રીય જનતા દળે ભાજપ પર સાધ્યું નિશાન
રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ કહ્યું કે, ‘અદાણી સામેના કેસની ઘટના ખૂબ જ ગંભીર બની ગઈ છે. દેશની એજન્સીઓ અને પ્રભાવશાળી લોકો આ મામલા પર પડદો ઢાંકવાનો ગમે તેટલો પ્રયાસ કરે, પરંતુ તેનો પર્દાફાશ થઈ ગયો છે. જ્યારે વિપક્ષી નેતાઓ ગૃહમાં આ મુદ્દો ઉઠાવે છે, ત્યારે અમારા ભાજપના મિત્રો અદાણીના પ્રવક્તા તરીકે આગળ આવે છે.
અદાણી પર પહેલા પર આરોપો લાગ્યા હતા : ફારુક અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે અદાણી ગ્રૂપ સામેના આરોપોને ગંભીરતાથી લેવા જોઈએ. આ મામલાની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. હું અદાણી ગ્રૂપ સાથે સંબંધિત મુદ્દાઓ વિશે વધુ જાણતો નથી, પરંતુ અગઆઉ પણ તેમના પર ખોટા કામ કરવાના આરોપો લાગ્યા છે. જો આવું થયું છે તો તેની તપાસ થવી જોઈએ. જેપીસીની માંગ ઉઠી હોવાથી હું આશા રાખું છું કે, કેન્દ્ર સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લેશે અને તેની સંપૂર્ણ તપાસ કરશે.’
આ પણ વાંચો : મોદીજી ઇચ્છે તો પણ અદાણીની ધરપકડ નહીં થાય કારણ કે, ભાજપને તેમનું ફંડિંગ છે: રાહુલ ગાંધી
વડાપ્રધાન મોદીએ ભારતના લોકોને જવાબ આપવો પડશે : ડી.રાજા
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ના જનરલ સેક્રેટરી ડી.રાજાએ કહ્યું કે, ‘જો આ સાચું છે, તો તે એક મોટું કૌભાંડ છે. હવે વડાપ્રધાન મોદીએ ભારતના લોકોને જવાબ આપવો પડશે. અદાણી કેસમાં સરકાર તરફથી કોઈ નક્કર જવાબ આવ્યો નથી.’
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPM)એ એક નિવેદનમાં કહ્યું કે, ‘મોદી સરકાર ‘હવે પડદા પાછળ નહીં છુપાઈ શકે.’ અને અદાણી સામે લાંચના આરોપોની CBI તપાસ થવી જોઈએ. અદાણી અને અન્ય છ લોકો સામે અમેરિકન કોર્ટમાં દાખલ કરાયેલા આરોપમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે કેન્દ્ર અને રાજ્યોમાં ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવામાં તેમની સંડોવણીના ગંભીર આરોપોનો સમાવેશ થાય છે.’
અદાણી ગ્રૂપે છેતરપિંડીના આરોપો ફગાવ્યા
અદાણી ગ્રૂપની પેટા કંપની અદાણી ગ્રીન પર રૂ. 265 મિલિયન ડૉલરની લાંચ અને છેતરપિંડીના આરોપ અદાણી ગ્રૂપે ફગાવી દીધા છે. અદાણી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને SEC દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટર્સ વિરુદ્ધ મૂકાયેલા તમામ આરોપો પાયાવિહોણા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે લખ્યું છે કે, તમામ આરોપો શંકાસ્પદ છે. આરોપીને ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે, જ્યાં સુધી તે દોષિત સાબિત ન થાય. હવે અમે કાયદાકીય ઉકેલોના વિકલ્પના માર્ગે આગળ વધીશું. અદાણી ગ્રૂપે હંમેશા તમામ કાયદા અને નીતિનિયમોનું પાલન કર્યું છે.’ અદાણી ગ્રૂપે ખાતરી આપતાં કહ્યું છે કે, ‘અમે તમામ બિઝનેસ કામગીરીમાં પારદર્શકતા રાખી છે, નિયામકની જોગવાઈઓના પાલન પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ છીએ. અમે અમારા તમામ સ્ટેકહોલ્ડર્સ, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે, અમે કાયદાનું પાલન કરતું ઑર્ગેનાઇઝેશન છીએ. અમે તમામ કાયદાને અનુસરીને જ કામગીરી કરીએ છીએ.’
આ પણ વાંચો : અદાણી લાંચ કેસમાં કોંગ્રેસે કરી JPCની માંગ, ભાજપની વધુ પડતા ઉત્સાહિત નહીં થવાની સલાહ
અદાણી જૂથ પર શું આરોપ છે?
યુએસ સિક્યોરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ તેમજ અમેરિકાના પ્રોસિક્યુટરે અદાણી ગ્રીનના બોર્ડ સભ્યો પર અમેરિકાના રોકાણકારો સાથે 250 મિલિયન ડૉલરની છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. અદાણી ગ્રૂપ પર આરોપ છે કે, તેઓ 265 મિલિયન ડૉલરનો બૉન્ડ ઇશ્યૂ લાવીને ફંડ ભેગું કરવા માંગતા હતા. આ ફંડનો ઉપયોગ તેઓ કથિત રીતે ભારતના અધિકારીઓને લાંચ આપવા કરવાના હતા કારણ કે, અદાણી ગ્રીનને એક પ્રોજેક્ટ મેળવવો હતો. આ ફંડ ભેગું કરવામાં પણ અદાણી ગ્રૂપે નીતિનિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. અમેરિકામાં પોતાની કંપનીને સૌર એનર્જી પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ અપાવવા ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડૉલર(આશરે રૂ. 2236 કરોડ)ની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. આ માટે અદાણી ગ્રૂપે અમેરિકાના રોકાણકારોને આ કોન્ટ્રાક્ટના માધ્યમથી 20 વર્ષમાં બે અબજ ડૉલરથી વધુ નફાના વચન અને ખોટા દાવા કરીને લોન-બૉન્ડ્સ દ્વારા ફંડ ઉઘરાવ્યા હતાં.