ફરી બેકફૂટ પર મોદી સરકાર, બ્રૉડકાસ્ટિંગ બિલ હોલ્ડ પર: વિપક્ષ અને ડિજિટલ મીડિયાએ કર્યો હતો વિરોધ
Broadcasting Bill 2024: કેન્દ્રની NDA સરકારે બ્રૉડકાસ્ટિંગ બિલ 2024 પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. સરકારે કહ્યું છે કે મુદ્દે હવે વ્યાપક ચર્ચા અને વિમર્શ બાદ નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. નોંધનીય છે કે ભારત સરકારના સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આ બિલ તૈયાર રવામાં કરવામાં આવ્યું હતું. બિલના ડ્રાફ્ટ પર પબ્લિક કોમેન્ટની ડેડલાઇન 15 જાન્યુઆરી, 2024 રાખવામાં આવી હતી.
ડ્રાફ્ટ લીક થયાનો આરોપ હતો
જે બાદ બ્રૉડકાસ્ટિંગ બિલનો બીજો ડ્રાફ્ટ જુલાઇ મહિનામાં તૈયાર કર્યો હતો. જોકે આ બીજો ડ્રાફ્ટ 'લીક' થઈ ગયાનો ગંભીર આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો હતો. વિપક્ષનો આરોપ હતો કે સંશોધિત ડ્રાફ્ટ સંસદમાં આવે તે પહેલા જ અમુક હિતધારકોને ગુપ્ત રૂપે લીક કરવામાં આવ્યો છે. જે બાદ ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ તથા કન્ટેન્ટ ક્રિએટર્સ આ બિલનો વિરોધ કરી રહ્યા હતા.
શું કહ્યું સરકારે?
સરકાર દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે, કે 'અમે બ્રૉડકાસ્ટિંગ સર્વિસ (રેગ્યુલેશન) બિલના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છે. આ બિલ પર સામાન્ય જનતાની ટિપ્પણી માટે તેને 10 નવેમ્બર 2023ના રોજ સાર્વજનિક ડોમેનમાં મૂકવામાં આવ્યું હતું. અનેક ટીપ્પણીઓ અને સુઝાવ મળ્યા બાદ બિલને 15 ઓકટોબર, 2024 સુધીનો વધારાનો સમય આપવામાં આવે છે. જેથી વધુ વિચાર-વિમર્શ કરીને નવો ડ્રાફ્ટ તૈયાર કરી શકાય.'
The Ministry of Information & Broadcasting is working on a Draft Broadcasting Services (Regulation) Bill.
— Ministry of Information and Broadcasting (@MIB_India) August 12, 2024
The draft Bill was placed in public domain on 10.11.2023 along with the explanatory notes for comments of the stakeholders and the general public. https://t.co/3A4brxbfLC…
સરકારના ડ્રાફ્ટમાં હતું શું?
નોંધનીય છે કે સરકાર જે ડ્રાફ્ટ લઈને આવી હતી જેમાં ડિજિટલ અને OTT પ્લેટફૉર્મ જેવા Youtube, X (Twitter), Facebook, Instagram, Netflix, Prime Video પર પ્રસારિત થતાં કન્ટેન્ટને પણ રેગ્યુલેટ કરવાની વાત હતી. આટલું જ નહીં ડિજિટલ પ્લેટફોર્મ પર સમાચાર આપતી સંસ્થાઓને ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ નામ આપવાની પણ જોગવાઈ હતી. આવી સંસ્થાઓ માટે અલગથી બ્રોડકાસ્ટિંગ ઓથોરીટી ઑફ ઈન્ડિયા બનાવવાનો પ્રસ્તાવ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો હતો. જો કોઈ ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર નિયમોનું પાલન ન કરે તો સરકારના હસ્તક્ષેપની જોગવાઈ પણ આ ડ્રાફ્ટમાં કરવામાં આવી હતી.
ડિજિટલ મીડિયા માટે 'સેન્સર બોર્ડ' બનાવવાની તૈયારી હતી
આટલું જ નહીં જેમ સિનેમા માટે સેન્સર બોર્ડ કામ કરે છે એ જ રીતે ડિજિટલ પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ પ્રસારિત થાય છે તેના માટે સરકારે કન્ટેન્ટ ઈવેલ્યુએશન કમિટી બનાવવાની જોગવાઈ કરી હતી. જે બાદ ડિજિટલ કન્ટેન્ટ બનાવનારાઓએ નિયમોનું પાલન કરવાની તથા કમિટી પાસેથી સર્ટિફિકેટ લેવાની ફરજ પાડવામાં આવી હતી.
ડિજિટલ મીડિયા પર સેન્સરશીપનો આરોપ
બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલની અમુક જોગવાઈ સામે ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ અને ડિજિટલ પબ્લિશર્સે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે સરકાર આ બિલના માધ્યમથી ડિજિટલ કન્ટેન્ટ પર સેન્સરશીપ લગાવવામાં માંગે છે. લોકોને ભય હતો કે બિલ લાગુ થયા બાદ તે ડિજિટલ પ્લેટફોર્મ પર સરકારની ટીકા નહીં કરી શકે.
વિપક્ષે બિલનો ભારે વિરોધ કર્યો હતો
કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ અન્ય રાજકીય દળોએ બ્રોડકાસ્ટિંગ સર્વિસ (રેગ્યુલેશન) બિલ 2024નો ભારે વિરોધ કર્યો હતો અને બિલને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતા માટે જોખમી ગણાવ્યો હતો. વિપક્ષ મુજબ, આ બિલના માધ્યમથી વ્યક્તિગત કંટેન્ટ બનાવનારાઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ બિલથી જોડાયેલા ઘણા પાસાઓને ચિંતાજનક ગણાવતાં કહ્યું હતું કે, આ બિલમાં વીડિયો અપલોડ કરવા, પોડકાસ્ટ બનાવવા અથવા સમકાલીન બાબતો પર લખનારા કોઇપણ વ્યક્તિને ડિજિટલ સમાચાર પ્રસારકના રૂપે લેબલ આપવામાં આવશે. વિપક્ષે સરકારને બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં સિવિલ સોસાયટીના સભ્યો, પત્રકારો અને પ્રમુખ હિતધારકોને સામેલ કરવાની માંગ કરી હતી.