ભારતમાં ચાલતી વિશ્વની સૌથી મોટી યોજનામાં ધરખમ ફેરફાર કરવાની તૈયારીમાં મોદી સરકાર

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
ભારતમાં ચાલતી વિશ્વની સૌથી મોટી યોજનામાં ધરખમ ફેરફાર કરવાની તૈયારીમાં મોદી સરકાર 1 - image


Ayushman bharat scheme | કેન્દ્રની મોદી સરકાર વિશ્વની સૌથી મોટી યોજનામાં મોટાપાયે ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે.  આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરીને રૂ. 10 લાખ અને મહિલાઓ માટે રૂ. 15 લાખ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે.

ગ્રૂપ ઓફ સેક્રેટરીઝ દ્વારા રિપોર્ટ સબમિટ કરાયો 

અહેવાલ અનુસાર ગ્રુપ ઓફ સેક્રેટરીઝ (GoS) એ આ યોજના અંગેનો રિપોર્ટ પણ સબમિટ કરી દીધો છે. તેમને આગામી પાંચ વર્ષ માટે લક્ષ્યાંક અને તેમની સિદ્ધિ માટે સમયરેખા નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સામાજિક ક્ષેત્ર માટેના GoSમાં આરોગ્ય, આયુષ, રમતગમત, સંસ્કૃતિ અને શિક્ષણ સહિત નવ મંત્રાલયોનો સમાવેશ થાય છે. હવે ટૂંક સમયમાં કેબિનેટ સચિવ સમક્ષ પ્રેઝન્ટેશન આપવામાં આવી શકે છે. 

મોદી સરકારની મહત્ત્વકાંક્ષી યોજના... 

આયુષ્માન ભારત યોજના મોદી સરકારની મુખ્ય આરોગ્ય યોજના છે. તે વિશ્વની સૌથી મોટી યોજના પણ કહેવાય છે. હાલમાં તે 12.34 કરોડ પરિવારોને આવરી લે છે. 55 કરોડ લાભાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે. જેમાં પરિવાર દીઠ રૂ. 5 લાખનું વાર્ષિક કવરેજ પૂરું પાડવામાં આવે છે. 30 જૂન સુધી હોસ્પિટલમાં 7.37 કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો. અત્યાર સુધી 1 લાખ કરોડ રૂપિયા સુધી ખર્ચ પહોંચી ગયો છે. 

એનડીએ માને છે આ યોજનાને મોટી સફળતા 

ભાજપ આ યોજનાને એનડીએ સરકારની સફળતાની ગાથાઓમાંની એક માને છે અને આ વર્ષે લોકસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો સુધી તેનો કવરેજ વિસ્તારવાનું વચન આપવામાં આવ્યું છે. સચિવોના વિવિધ જૂથોને ભાજપના 'સંકલ્પ પત્ર'માંથી લક્ષ્યાંક નક્કી કરવા અને તેના માટે ચૂંટણી સમયરેખાની કલ્પના કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

હવે કયા ફેરફારો કરાશે? 

નવા રિપોર્ટ અનુસાર વાર્ષિક વીમા કવચની રકમ વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ પરિવાર કરવામાં આવી શકે છે. જ્યારે મહિલાઓના કિસ્સામાં ચોક્કસ રોગ અને ચોક્કસ પરિસ્થિતિઓ માટે આ કવર 15 લાખ રૂપિયા સુધી વધારી દેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કુલ આયુષ્માન કાર્ડમાંથી લગભગ 49% યૂઝર મહિલાઓ છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયેલ દર્દીઓમાં પણ લગભગ 48% મહિલાઓ છે. આ ઉપરાંત લાભાર્થીઓની સંખ્યા વધારીને 100 કરોડ કરવાનો અને ખાનગી હોસ્પિટલની બેડની સંખ્યા 4 લાખ સુધી વધારવાનું લક્ષ્ય રખાયું છે. હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 7.22 લાખ બેડ છે.

ભારતમાં ચાલતી વિશ્વની સૌથી મોટી યોજનામાં ધરખમ ફેરફાર કરવાની તૈયારીમાં મોદી સરકાર 2 - image



Google NewsGoogle News