POK પાછું મેળવવાનો મોદી સરકારનો પ્લાન છે ? ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રીના શબ્દો શો સંકેત આપે છે ?
- સેના તૈયાર છે : નોર્ધન કમાન્ડરના કમાન્ડર લે.જન. દ્રિવેદી
- અનુચ્છેદ, 370 દૂર કરાયાનું સુપ્રિમ કોર્ટે સંવૈધાનિક જણાવતાં : પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે તે ચોક્કસ છે
નવી દિલ્હી : આ મહીને બે એવી ઘટનાઓ બની કે જે ઉપરથી અનુમાન બાંધી શકાય કે કેન્દ્ર સરકાર પાક.નાં કબ્જા-નીચેનું કાશ્મીર (પીઓકે) પાછું લેવા અંદર ખાને કોઈ નિશ્ચિત યોજના ઘડી રહી છે.
સૌથી પહેલાં તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જમ્મુ-કાશ્મીરને લગતાં બે વિધેયકો રજૂ કર્યા. (૧) જમ્મુ-કાશ્મીર આરક્ષણ (સંશોધન) વિધેયક ૨૦૨૩, અને (૨) જમ્મુ કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) વિધેયક-૨૦૨૩, આ બંને વિધેયકો પસાર પણ થઇ ગયા. આ વિધેયકો ઉપરની ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે, POK માટે ૨૪ સીટો આરક્ષિત રખાઈ છે.
બીજી મહત્ત્વની વાત તેઓએ કરી કે પીઓકે આપણું જ છે અને તે અંગે આપણાં વલણમાં કોઈ ફેરફાર નથી.
દરમિયાન, સુપ્રીમ કોર્ટની સંવિધાન બેન્ચે પણ જમ્મુ-કાશ્મીર સંબંધી સંવિધાનની કલમ ૩૭૦ દૂર કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો. સુપ્રીમ કોર્ટે આગામી વર્ષના સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજવા ચૂંટણી પંચને આદેશ પણ આપી દીધો. આ સાથે ભારતના જનસામાન્યની આકાંક્ષાઓ વધવા લાગી.
અનુચ્છેદ ૩૭૦નાં પ્રકરણ પછી રાજકીય વિશ્લેષકોનું અનુમાન છે કે મોદી સરકાર નજીકનાં જ ભવિષ્યમાં પીઓકે, પાછું મેળવવા માટે, કોઈ પગલાં જરૂર લેશે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સેનાની તૈયારીઓ પૂરેપૂરી તપાસી લીધી હોવાનું કહેવાય છે. જ્યારે નોર્ધન કમાન્ડરના કમાન્ડર લેફ્ટ. જન. ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં જ કહ્યું હતું કે સેના પૂરેપૂરી તૈયાર છે.
પીઓકે છે શું ? પાકિસ્તાનનાં કબ્જા નીચેનાં કાશ્મીરને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે) કહેવાય છે. પાકિસ્તાન તે વિસ્તારને આઝાદ-કાશ્મીર કહે છે. ૧૯૪૭થી આ વિસ્તાર બંને દેશો વચ્ચેનો સળગતો મુદ્દો રહ્યો છે.
વાસ્તવમાં તે વિસ્તાર તે સ્વાતંત્ર્ય સમયે જમ્મુ અને કાશ્મીર રીયાસતનો જ ભાગ હતો. ત્યારે કાશ્મીર અખંડ હતું.
૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું ત્યારે મહારાજા હરિસિંહે વિલય પત્ર પર હસ્તાક્ષર કરી તેમનાં રાજ્યને ભારતીય સંઘનો એક ભાગ બનાવી દીધું. ત્યારથી જમ્મુ અને કાશ્મીર ભારતીય સંઘનો વિધિવત ભાગ જ બની રહ્યું પરંતુ, ઓક્ટોબર ૧૯૪૭માં પાકિસ્તાને મુજાહીદ્દીઓના નામે તેનાં સૈન્ય દ્વારા આક્રમણ કર્યું, અને ગેરકાયદેસર તેની ઉપર કબ્જો જમાવી દીધો. ત્યારથી તે વિસ્તાર પીઓકે તરીકે પાકિસ્તાનના કબ્જા નીચે જ છે જ્યાં ગિલ્ગિટ-બાલ્તીસ્તાન પ્રદેશ પણ સમાવિષ્ટ છે. તેમાંથી કેટલોક ભાગ તેણે ચીનને ૧૯૬૩માં આપ્યો જેના બદલામાં ચીને કારાકોરમ રાજ્યમાર્ગ બાંધી આપ્યો.
વિભાજન પહેલાં રાજ્યમાં ૧૧૧ વિધાનસભા બેઠકો હતી તેમા કાશ્મીર ડીવીઝનમાં ૪૬ જમ્મુ ૩૭ અને લડાખની ૪ સીટો હતો. ૨૪ બેઠકો, પાક. કબ્જા નીચેના કાશ્મીર માટે આરક્ષિત રખાઈ.
૨૦૧૯માં અનુચ્છેદ ૩૭૦ દૂર કરાયો, લડાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયું. પછી જમ્મુ કાશ્મીર વિધાનસભાની ૧૦૭ બેઠકો રહી.
હવે નવાં સીમાંકન પ્રમાણે જમ્મુ ડીવીઝનમાં ૬ અને કાશ્મીર ખીણમાં એક બેઠક વધી છે. આથી રાજ્ય વિધાન સભાની સીટો ૯૦ થઇ ગઈ છે. જો કે તેમાં પીઓકે માટેની ૨૪ સીટો સામેલ નથી. આ સીટો ખાલી રાખવાનો નિર્ણય જ દર્શાવે છે કે ભારત તે વિસ્તાર હાથમાં લેવા કૃતનિશ્ચિત છે. નહીં તો તે વિસ્તારની સીટો કુલ સીટોની સાથે ગણતરીમાં લઇ ખાલી રાખવાનો અર્થ જ શો છે ?