મોદી સરકારે ડુંગળીની નિકાસ પર લગાવ્યો આજથી પ્રતિબંધ, માત્ર 3 પરિસ્થિતિઓમાં જ મળશે મંજૂરી
DGFTએ નોટિફિકેશન બહાર પાડી આજથી જ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો
નોટિફિકેશમાં એવું પણ કહેવાયું છે કે, માત્ર 3 પરિસ્થિતિમાં જ નિકાસને મંજુરી અપાશે
નવી દિલ્હી, તા.08 નવેમ્બર-2023, શુક્રવાર
ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીની વધતી જતી કિંમતો પર અંકુશ મેળવવા મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ (Onion Export Ban) લગાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશન જારી કરી દીધું છે.
ડુંગળી નિકાસ પર પ્રતિબંધ આજથી જ લાગુ
DGFTના નોટિફિકેસન મુજબ ડુંગળી નિકાસની પોલિસીમાં સંશોધન કરવામાં આવ્યું છે અને ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ નિર્ણય આજથી 8 ડિસેમ્બર-2023થી લાગુ કરી દેવાયો છે.
એક વર્ષમાં એક કિલો ડુંગળીની કિંમતમાં રૂ.27.94નો ઉછાળો
ગ્રાહક બાબતોનો વિભાગના જણાવ્યા મુજબ 8 ડિસેમ્બર-2023ના રોજ છૂટક બજારમાં ડુંગળીની સરેરાશ કિંમત પ્રતિ કિલો 56.82 રૂપિયા છે, જ્યારે 8 ડિસેમ્બર-2022ના રોજ ડુંગળીની સરેરાશ કિંમત પ્રતિ કિલો 28.88 રૂપિયા હતી. એટલે કે એક વર્ષમાં એક કિલો ડુંગળીની કિંમતમાં સરેરાશ રૂ.27.94નો ઉછાળો થયો છે.
માત્ર 3 પરિસ્થિતિઓમાં જ ડુંગળીની નિકાસને મંજૂરી
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવા ઉપરાંત નોટિફિકેશમાં એવું પણ કહેવાયું છે કે, નિકાસને માત્ર 3 પરિસ્થિતિઓમાં જ મંજુરી આપી શકાય છે, જેમાં નોટિફિકેશન બહાર પડે તે પહેલા (1) જહાજ પર ડુંગળીનું લોડિંગ થવું (2) શિપિંગ બિલ ભરેલું હોવું અને (3) ડુંગળીનો જથ્થો લોડિંગ માટે વેસલ પોર્ટ પર પહોંચેલો હોવો જોઈએ. આ પરિસ્થિતિઓમાં ઓથોરિટી દ્વારા જહાજની બર્થિંગ થઈ ગઈ હોવાનું કન્ફર્મ કરાયા બાદ જ નિકાસને મંજૂરી અપાશે, જ્યારે ત્રીજી પરિસ્થિતિમાં કસ્ટને નિકાસ માટે ડુંગળીનો જથ્થો સોંપી દેવાયો હોય તેમજ સિસ્ટમમાં પણ રજીસ્ટ્રેશન કરી દેવાયું હતું, ત્યારે જ નિકાસને મંજૂરી અપાશે. આ રાહત માત્ર 5 જાન્યુઆરી-2024 સુધી જ મળશે.