મોદી સરકારના મંત્રી લાઇબ્રેરીમાં પંખાનું ઉદઘાટન કરવા પહોંચ્યા, સ્વિચ દબાવી ફેન ચાલુ કર્યું
Union Minister Raj Bhushan Choudhary Inaugurated the Fan: બિહારના મુઝફ્ફરપુરમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી રાજભૂષણ ચૌધરી બાર એસોસિએશનમાં સીલિંગ ફેનનું ઉદઘાટન કરવા માટે પહોંચી ગયા. તેમણે બટન દબાવીને ફેન ઓન કર્યો. કેન્દ્રીય મંત્રી દ્વારા સીલિંગ ફેનના ઉદઘાટન કરવાની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
કેન્દ્રીય મંત્રી રાજભૂષણ ચૌધરી મુઝફ્ફરપુરથી જ ભાજપના સાંસદ છે. તેઓ 12 નવેમ્બરે પોતાના સંસદીય વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જિલ્લા બાર એસોસિએશનને આપવામાં આવેલા 400 પંખા અને ડાયરીનું ઉદઘાટન કર્યું. તેમના દ્વારા પંખાના ઉદઘાટનની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.
બાર એસોસિએશના પદાધિકારીઓ સાથે કરી મીટિંગ
આ દરમિયાન તેમણે બાર એસોસિએશનના પદાધિકારીઓ સાથે મીટિંગ કરી હતી, જેની અધ્યક્ષતા બાર એસોસિએશનના અધ્યક્ષ અખિલેશ્વર પ્રસાદ સિંહ અને સંચાલન એડવોકેટ ધર્મેન્દ્ર પ્રસાદ સાહૂએ કર્યું હતું. સ્ટેટ બાર કાઉન્સિલ સભ્ય સચ્ચિદાનંદ સિંહે કહ્યું આ સહયોગથી એસોસિએશન વિકાસના પથ પર અગ્રેસર છે. પૂર્વ ઉપાધ્યક્ષ ડો. સંગીતા શાહીએ કહ્યું, આ સહયોગ પ્રશંસનીય છે. મહાસચિવ રવિ પ્રતાપે કહ્યું કે કેન્દ્રીય મંત્રીના સહયોગથી સોલર પ્લાન્ટ, વોટર પ્લાન્ટ, ભવન અને ઈ-લાઈબ્રેરી પણ મળશે. આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લાધ્યક્ષ રંજન સિંહ પણ હાજર હતા.
આ પણ વાંચો: ‘હા, અમે પોલીસવાળાઓને ફટકાર્યા’, થપ્પડકાંડના આરોપી નરેશ મીણા અચાનક પ્રગટ થયા
કેરળમાં મંત્રીએ રસ્તાના યુ-ટર્નનું કર્યું હતું ઉદઘાટન
ગત દિવસોમાં કેરળના ઉદ્યોગ મંત્રી પી.રાજીવે કોચ્ચિમાં એક રસ્તાના યુ-ટર્નનું ઉદઘાટન કર્યું હતું. જેમાં ખાસ વાત એ હતી કે મંત્રીજીએ પારંપરિક રિબનના બદલે ગાંઠદાર ટેપ કાપીને યુ-ટર્નનું ઉદઘાટન કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આને લઈને મંત્રીજીની ખૂબ ટીકા કરવામાં આવી હતી.
ભાજપ યુવા મોર્ચાના રાષ્ટ્રીય સચિવ અને રાજ્યના ધારાસભ્ય અનૂપ એન્ટની જોસેફે તેનો વીડિયો શેર કરીને લેફ્ટ સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેની આ પોસ્ટ પર યુઝર્સે મંત્રી પી.રાજીવની મજાક ઉડાવી હતી. તેમનું કહેવું હતું કે મંત્રી નાના કામોનું ઉદઘાટન કરીને પોતાની મજાકનો વિષય બનાવી રહ્યાં છે.