કેન્દ્રીય મંત્રીમંડળમાં વધુમાં વધુ કેટલા મંત્રી બનાવી શકાય, જાણો મંત્રીઓના પ્રકાર અને તેમની જવાબદારીઓની સંપૂર્ણ માહિતી

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
કેન્દ્રીય મંત્રીમંડળમાં વધુમાં વધુ કેટલા મંત્રી બનાવી શકાય, જાણો મંત્રીઓના પ્રકાર અને તેમની જવાબદારીઓની સંપૂર્ણ માહિતી 1 - image


NDA 3.0 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ફરી એકવાર NDA સરકાર બનવા જઈ રહી છે. આ સાથે મહાગઠબંધનના તમામ ઘટક દળોની માંગણીઓ આગળ આવવા લાગી છે. તમામ રાજકીય પક્ષો કેન્દ્રમાં વધુમાં વધુ અને મહત્ત્વપૂર્ણ મંત્રી પદ મેળવવા માંગે છે પરંતુ આ સ્થિતિમાં સામાન્ય જનમાનસના મગજમાં એક સવાલ થવો વ્યાજબી છે કે કેન્દ્રમાં મહત્તમ કેટલા મંત્રી બનાવી શકાય?  એક જ પ્રકારના મંત્રીઓ હોય છે કે શું? કોની કેવી જવાબદારીઓ હોય છે. આ જ પ્રકારના તમામ સવાલો અને મૂંઝવણોનો અંત લાવીએ આજના આ અહેવાલમાં...

સૌથી મૂળભૂત અને મહત્ત્વની વાત સમજવા જેવી છે કે કેન્દ્ર સરકારમાં મંત્રીઓ બનાવવા માટે નિશ્ચિત નિયમો છે અને તે મુજબ માત્ર ચોક્કસ સંખ્યામાં જ મંત્રી બનાવી શકાય છે. દરેકને મંત્રી બનાવવા શક્ય નથી.

ભારતીય બંધારણ અનુસાર થાય છે કેબિનેટની રચના 

ભારતીય બંધારણની કલમ 74, 75 અને 77 અનુસાર કેન્દ્રમાં કેબિનેટની રચના કરવામાં આવે છે. કલમ 74 જણાવે છે કે પ્રધાનમંડળની રચના રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પર કરવામાં આવે છે. પ્રધાનમંડળમાં વડાપ્રધાન સર્વોચ્ચ પદ ધરાવે છે. તેમની મદદ અને સલાહથી રાષ્ટ્રપતિ કેબિનેટની રચના માટે સંમતિ આપે છે. બંધારણની કલમ 75(1) કહે છે કે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. પ્રધાનમંડળના અન્ય સભ્યો માટે રાષ્ટ્રપતિ વડાપ્રધાન સાથે ચર્ચા કરે છે અને પ્રધાનમંડળના વિસ્તરણમાં વિશેષાધિકાર પણ ધરાવે છે.

કેન્દ્રીય મંત્રીમંડળમાં વધુમાં વધુ કેટલા મંત્રી બનાવી શકાય, જાણો મંત્રીઓના પ્રકાર અને તેમની જવાબદારીઓની સંપૂર્ણ માહિતી 2 - image

લોકસભાને જવાબદાર હોય છે કેબિનેટ 

બંધારણની કલમ 77 મુજબ સરકારી મંત્રાલયો અથવા વિભાગોની રચના કરવામાં આવે છે. આ કામ પણ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પર કરવામાં આવે છે અને તેઓ વડાપ્રધાનની સલાહ પર જ દરેક મંત્રાલય દરેક વ્યક્તિને સોંપે છે. કેન્દ્રીય મંત્રીમંડળ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર છે. નીતિ વિષયક બાબતો અને સામાન્ય વહીવટમાં મંત્રીઓને મદદ કરવા માટે દરેક વિભાગના પ્રભારી સચિવ પણ હોય છે. વડાપ્રધાન અને મંત્રીઓ દ્વારા હોદ્દો ગ્રહણ કરતાં પહેલાં જ રાષ્ટ્રપતિ દ્વારા તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવે છે.

કેન્દ્ર સરકારમાં કેટલા મંત્રીઓ બની શકે?

બંધારણ મુજબ કેન્દ્રીય મંત્રીમંડળમાં કુલ સભ્યોની સંખ્યા લોકસભાના કુલ સભ્યોની સંખ્યા અનુસાર નક્કી કરવામાં આવે છે. લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના 15 ટકાને મંત્રી બનાવી શકાય છે એટલે કે લોકસભામાં 543 સભ્યોની સંખ્યાના 15 ટકા કેન્દ્રમાં મંત્રી બની શકે છે એટલેકે આ આધારે વડાપ્રધાન મોદીની કેબિનેટમાં વધુમાં વધુ 81-82 મંત્રીઓ હોઈ શકે છે.

ત્રણ પ્રકારના મંત્રીઓ હોય છે 

મંત્રાલયોના મહત્ત્વ અને કામના ભારણને ધ્યાનમાં રાખીને ભારતની કેન્દ્રીય કેબિનેટમાં ત્રણ પ્રકારના મંત્રી બનાવવામાં આવે છે, જેમાં કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી અને રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)નો સમાવેશ થાય છે. આ ત્રણેયમાં કેબિનેટ મંત્રી સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. કેબિનેટ મંત્રીઓ તેમના મંત્રાલયોના વડા હોય છે અને સીધા વડાપ્રધાનને રિપોર્ટ કરે છે તેથી, વડાપ્રધાન રાષ્ટ્રપતિને તેમના સૌથી લાયક સાંસદને કેબિનેટ પ્રધાન બનાવવાની સલાહ આપે છે. તેમની પાસે એકથી વધુ મંત્રાલય પણ હોઈ શકે છે. કેન્દ્ર સરકારના તમામ નિર્ણયો કેબિનેટની બેઠકમાં લેવામાં આવે છે તેથી, કેબિનેટ મંત્રીએ કેબિનેટ બેઠકમાં હાજરી આપવી ફરજિયાત છે.

કેબિનેટ મંત્રીને રિપોર્ટ કરે છે રાજ્યમંત્રી 

બીજા પ્રકાર પર નજર કરીએ તો રાજ્ય મંત્રીઓ વાસ્તવમાં કેબિનેટ મંત્રીઓના સહયોગી હોય છે. વાસ્તવમાં વધુ મહત્ત્વ અને કાર્યભાર, વિશાળ અવકાશ અને મોટી જવાબદારી ધરાવતા મંત્રાલયોમાં રાજ્ય મંત્રીઓને કેબિનેટ મંત્રીઓની મદદ માટે નિમવામાં આવે છે. રાજ્ય મંત્રી સીધા કેબિનેટ મંત્રીને રિપોર્ટ કરે છે. તેઓ કેબિનેટની બેઠકોમાં ભાગ લેતા નથી. સામાન્ય રીતે મોટા મંત્રાલયોમાં એક કે બે રાજ્ય મંત્રીઓની નિમણૂક કરવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રીમંડળમાં વધુમાં વધુ કેટલા મંત્રી બનાવી શકાય, જાણો મંત્રીઓના પ્રકાર અને તેમની જવાબદારીઓની સંપૂર્ણ માહિતી 3 - image

રાજ્ય મંત્રી હોય છે ખાસ 

ત્રીજા અને મહત્ત્વપૂર્ણ પ્રકાર પર જઈએતો રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ધરાવતા સાંસદ પાસે નાના કે થોડા ઓછા મહત્ત્વના મંત્રાલયો હોય છે. જોકે દરેક મંત્રાલયનું પોતાનું મહત્ત્વ તો હોય જ છે, પરંતુ તેમના મંત્રાલયોની જવાબદારી પ્રમાણમાં ઓછી હોય છે. મતલબ કે કોઈપણ કેબિનેટ મંત્રી વગર પણ રાજ્ય મંત્રીની મદદથી મંત્રાલય ચલાવી શકાય છે. રાજ્યમંત્રીઓને આવા મંત્રાલયોનો સ્વતંત્ર હવાલો આપવામાં આવે છે અને તેઓ કેબિનેટ પ્રધાનને રિપોર્ટ કરવાને બદલે કેબિનેટ પ્રધાનની જેમ જ સીધા વડાપ્રધાનને રિપોર્ટ કરે છે. જોકે તેઓ કેબિનેટની બેઠકમાં ભાગ લેતા નથી.




Google NewsGoogle News