મોદી કેબિનેટના પૂર્વ સાંસદ-મંત્રીઓએ સરકારી બંગલો ખાલી કરવો પડશે, કોને કોને મળી નોટિસ?
Modi Cabinet news | લોકસભા ચૂંટણી હારનારા કેટલાય ભૂતપૂર્વ સાંસદો અને પ્રધાનોએ લ્યુટેન્સ બંગલા ઝોનમાં સરકારી બંગલો ખાલી કરવો પડશે. 17મી લોકસભાના સાંસદ જે 18મી ચૂટણી જીતી શક્યા નથી તેવા ભૂતપૂર્વ સાંસદોને લોકસભાની હાઉસ સમિતિએ નોટિસ જારી કરી છે.
નોટિસમાં શું હતું?
આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તેમણે એક મહિનામાં બંગલો છોડવો પડશે. ભૂતપૂર્વ સાંસદોએ પાંચ જુલાઈ અને ભૂતપૂર્વ મંત્રીઓએ 11 જુલાઈ સુધીમાં બંગલો ખાલી કરવો પડશે. તાજેતરમાં થયેલી લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર 2.0ના 17 કેન્દ્રીયમંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો હતો.
કોને કોને મળી નોટિસ?
હવે જે મંત્રીઓને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી છે તેમા આરકે સિંહ, અર્જુન મુંડા, મહેન્દ્રનાથ પાંડે, સ્મૃતિ ઈરાની, સંજીવ બાલિયાન, રાજીવ ચંદ્રશેખર, કૈલાશ ચૌધરી, અજય મિશ્રા, વી મુરલીધરન, નિશિત પ્રામાણિક, સુભાષ સરકાર, સાધ્વી નિરંજન જ્યોતિ, રાવસાહેબ દાનવે, કૌશલ કિશોર, ભાનુપ્રતાપ વર્મા, કપિલ પાટિલ, ભગવંત ખુબા, ભારતી પવારનું નામ સામેલ છે.
શું છે નિયમ?
નિયમ મુજબ લોકસભા ભંગ થયાના એક મહિનામાં જ સરકારી મકાન ખાલી કરવાના હોય છે. રાષ્ટ્રપતિએ 5 જૂને 17મી લોકસભા ભંગ કરી હતી. આ સંજોગોમાં પૂર્વ સાંસદો પાસે બંગલો ખાલી કરવા 5 જુલાઈ સુધીનો જ સમય રહ્યો છે.