કેન્સરના વહેલા નિદાન માટે આધુનિક બ્લડ ટેસ્ટ લોન્ચ
- વર્ષોના સંશોધન પછી જીનોમિક્સ આધારીત ચકાસણી
- ભારતમાં કેન્સરના વધતા કેસોને ધ્યાનમાં રાખીને વહેલા નિદાન માટે આધુનિક ચકાસણીની જરૂર
બેંગલુરુ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની સબ્સિડીઅરી સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસે અનેક પ્રકારના કેન્સરના વહેલા નિદાન માટે નવી લોહી ચકાસણી કેન્સરસ્પોટ રજૂ કરી છે. ટેસ્ટમાં લોહીના નમૂનામાં ટયુમર ડીએનએ અવશેષોની ઓળખ માટે આધુનિક મિથાઈલેશન પ્રોફિલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પ્રોએક્ટીવ અને નિયમિત સ્ક્રિનિંગ માટે રચાયેલ, કેન્સરસ્પોટની જીનોમ સિક્વન્સિંગ અને વિશ્લેષણ પ્રક્રિયા કેન્સર માટે વિશિષ્ટ ડીએનએ મિથાઈલેશન સંકેતોને શોધી કાઢે છે, જે વિવિધ વંશના લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બોર્ડ મેમ્બર ઈશા અંબાણી પિરામલે ભારતમાં વધતા કેન્સરના કેસોને ટાંકીને ટેસ્ટના મહત્વ પર ભાર મુક્યો હતો. કેન્સરના ભારે આર્થિક, સામાજિક અને માનસિક તણાવનો ઉલ્લેખ કરીને તેમણે કેન્સરસ્પોટને મેડિકલ બ્રેકથુ્ર શરૂ કરવા પ્રત્યે રિલાયન્સની પ્રતિબદ્ધતા તરીકે વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે કેન્સરસ્પોટ જેવી જીનોમિક્સ આધારિત ચકાસણી વૈશ્વિક આરોગ્ય અને સુખાકારી સુધારવા પર કેન્દ્રિત કરતી કંપનીની 'વીકેર' નીતિ ઉજાગર કરે છે.
બેંગલુરુમાં સ્ટ્રેન્ડના આધુનિક જીનોમિક્સ ડાયોગ્નોસ્ટિક્સ એન્ડ રિસર્ચ સેન્ટરના લોન્ચ સમયે સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસના સીઈઓ અને સહસ્થાપક ડો. રમેશ હરિહરને કેન્સરના વહેલા નિદાનના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કેન્સરસ્પોટને અનેક વર્ષોની સંશોધન પછી રોગ સામેની લડતમાં આગળ રહેવા વ્યક્તિઓને સક્ષમ બનાવવાના પ્રયાસ તરીકે ગણાવ્યું હતું. જીનોમિક્સ નવીનતામાં સ્ટ્રેન્ડનો ૨૪ વર્ષનો વારસો ભારત માટે આ પ્રથમ સિદ્ધિ છે.
નવું ખુલ્લુ મુકાયેલુ રિસર્ચ કેન્દ્ર કેન્સરસ્પોટ પહેલ શરૂ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે જે સંશોધનને સમર્થન આપીને જીવન બચાવતું નિદાન કરશે. તેનાથી સ્ટ્રેન્ડ જીનોમિક્સ શરૂ કરવામાં અને ભારતીય તેમજ વૈશ્વિક વસતી માટે કેન્સર નિદાનની જરૂરીયાત પૂરી પાડશે.
દર વર્ષે ડ્રગ રેસિસટન્ટ ન્યૂમોનિયાથી વિશ્વમાં 20 લાખનાં મોત
ભારતમાં ડ્રગ્સ રેસિસટન્ટ ઇન્ફેકશન માટે પ્રથમ સ્વદેશી એન્ટી બાયોટિક લોન્ચ
બીઆઇઆરએસીના શોધકર્તાઓએ વિકસાવેલી દવા દસ ગણી વધુ શક્તિશાળી
નવી દિલ્હી : ભારતે દવા પ્રતિરોધી સંક્રમણો (ડ્રગ્સ રેસિસટન્ટ ઇન્ફેકશન) માટે પ્રથમ સ્વદેશી એન્ટી બાયોટિક લોન્ચ કરી છે. નેફિથ્રોમાઇસિન નામની આ દવાને ભારતના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ઓફ ઇન્ડિયાના બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (બીઆઇઆરએસી)ના શોધકર્તાઓ દ્વારા વિકસિત કરવામાં આવી છે.
નેફિથ્રોમાઇસિનનો ઉપયોગ વયસ્કોમાં ડ્રગ રેસિસટન્ટ કોમ્યુનિટી એકવાયર્ડ બેક્ટેરિયલ ન્યુમોનિયા (સીએબીપી)ની સારવારમાં કરવામાં આવશે.
રિપ્લેસમેન્ટ એન્ટિબાયોટિક્સ અને એંટીફંગલ બનાવવાની દોડમાં નેફિથ્રોમાઇસિનનું સોફ્ટ લોન્ચ, એન્ટી માઇક્રોબિયલ રેસિસટન્સ (એએમઆર) નામની મહામારીથી મુક્તિની દિશામાં એક પગલું આગળ છે.
દર વર્ષે ડ્રગ રેસિસટન્ટ ન્યૂમોનિયાને કારણે સમગ્ર વિશ્વમાં ૨૦ લાખ લોકોનાં મોત થાય છે. ભારતમાં વૈશ્વિક સમુદાયના ન્યૂમોનિયાના ૨૩ ટકા કેસ છે. અને તે સારવાર સંબધી પડકારોનો સામનો કરી રહ્યું છે. જેમાં એઝિથ્રોમાઇસીન જેવી દવાઓ પ્રત્યે વધતું રેસિસ્ટન્સ પણ સામેલ છે. ઘણા વર્ષોથી એઝિથ્રોમાઇસિન ન્યૂમોનિયા માટે પ્રાથમિક સારવાર રહી છે કારણકે આ રોગના વિકાસ માટે જવાબદાર જિવાણુઓને નિશાન બનાવે છે.
આ દવા ત્રણથી દસ દિવસ માટે ૫૦૦ મિલીગ્રામના ડોઝ આપવામાં આવે છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડોઝનું પ્રમાણ વધારવામાં આવે છે.