EVM સામે હવે પ્રજા જાગી! મહારાષ્ટ્રના આ ગામમાં લોકો સ્વખર્ચે આજે 'મોક મતદાન' કરશે
Maharastra Election and EVM News | મહારાષ્ટ્રનાં સોલાપુર જિલ્લાના માલશિરસ તાલુકામાં આવેલાં મારકડવાડી ગામના રહેવાસીઓએ તાજેતરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સંતોષકારક ન જણાતાં પોતાના ખર્ચે ત્રીજી ડિસેમ્બરે પરંપરાગત મતપત્રકો દ્વારા મોક મતદાન યોજવાની જાહેરાત કરી છે. ચૂંટણી પરિણામોમાં એકતરફી ભાજપના જ મતો નીકળતાં ગ્રામજનોને ઈવીએમ પર ભરોસો ન પડતાં આ આયોજન કરાયું છે. જોકે, વહીવટી તંત્રએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી ગામમાં પાંચ ડિસેમ્બર સુધી 144 કલમ લાગુ પાડી જમાવબંધી જાહેર કરી દીધી છે. આ સંજોગોમાં આવતીકાલે પોલીસ મોક મતદાન અટકાવે તો પરિસ્થિતિ વણસે તેવી આશંકા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ ગામમાં ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ વિધાનસભ્ય રામ સાતપુતેને અણધાર્યા વધારે મતો મળતાં ગામવાસીઓને પરિણામ સામે અસંતોષ ઉભો થયો છે. સાતપુતેને 1003 મત અને તેમના પ્રતિસ્પર્ધી એનસીપી-શરદ પવાર ના ઉમેદવાર ઉત્તમ જાનકરને 843 મતો મળ્યા હતા. મારકડવાડીમાં 2009, 2014 અને 2019ની વિધાનસભાની ચૂંટણીઓમાં તથા લોકસભાની ચૂંટણીઓમાં પણ જાનકરને સતત મારકડવાડીના ગામજનોને ટેકો મળ્યો છે પણ આ વખતે અણધાર્યા પરિણામ આવતાં ગામવાસીઓએ ઇવીએમના પરિણામોના વિરોધમાં પરંપરાગત મતપત્રકો દ્વારા મોક ચૂંટણી યોજી ક્યાં ખોટું થયું છે તે શોધવાના પ્રયાસરૂપે મોક મતદાન કરવાની જાહેરાત કરી છે.
જાનકરના જૂથને પહેલીવાર મતો ઓછાં મળતાં ઇવીએમમાં ગરબડ હોવાની શંકા પડતાં આ જૂથે માલશિરસના તહેસિલદારને પત્ર લખી પરિણામોની ચોકસાઇ નિશ્ચિત કરવા મોક મતદાનકરવા દેવાની માગણી કરી છે. ગામવાસીઓએ આ મોક મતદાન માટે તેમના ખર્ચે મત્રકો છપાવી વિતરણ માટે તૈયાર કરી દીધાં છે. ત્રીજી ડિસેમ્બરે સવારે સાત વાગ્યાથી સાંજે ચાર વાગ્યા દરમ્યાન આ મોક મતદાન યોજાશે અને તે પછી તેના પરિણામો જાહેર કરવામાં આવશે. જો કે તહેસિલદારની કચેરીએ જણાવ્યું હતું કે આ મતદાન સત્તાવાર ન ગણાય અને તેને કોઇ માન્યતા નથી.
જો કે, ગામવાસીઓએ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે મતદાન થયું હતું તે જ રીતે મતદારોને તેમનો મત આપવા જણાવ્યું છે. જેથી ઇવીએમમાં ગરબડ હોય તો તે પકડાઇ જાય. જો કે, મોડી સાંજે ગામમાં મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતાં અને 144મી કલમ લાગુ પાડવામાં આવતાં આ ચૂંટણી યોજાશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.