ધ્રૂજાવી દેનારી ઘટના : ચાર્જિંગ પર લાગેલો મોબાઈલ થયો બ્લાસ્ટ, આગ લાગતા ચાર બાળકોના મોત
Mobile Blast : ઉત્તરપ્રદેશના મેરઠમાં મોદીપુરમની જનતા કૉલોનીમાં ભાડાના મકાનમાં રહેતા શ્રમિકના ઘરમાં શોર્ટ સર્કિટથી મોબાઈલમાં બ્લાસ્ટ થઈ ગયો અને રૂમમાં આગ લાગી ગઈ. રૂમમાં હાજર ચાર બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બાળકોને બચાવવા પહોંચેલા દંપતી પણ દાઝી ગયા હતા. લોકોએ પોલીસને માહિતી આપી અને આગ પર કાબૂ મેળવ્યો. પોલીસે તમામને ખાનગી હોસ્પિટલ અને બાદમાં મેડિકલમાં દાખલ કરાવ્યા, જ્યાં સારવાર દરમિયાન ચારેય બાળકોના મોત થયા હતા. 24 કલાકમાં ચાર બાળકો દુનિયા છોડીને ચાલ્યા ગયા. બાળકોની માતાને ગંભીર હાલતમાં દિલ્હીના એઈમ્સમાં દાખલ કરાઈ છે, જ્યારે પિતાની હાલત ગંભીર છે, જેઓ મેડિકલમાં દાખલ છે.
મુઝફ્ફરનગર જિલ્લાના સિખેડા નિવાસી જોની (41) મજૂરી કામ કરે છે. તેમની પત્ની બબીતા (37) અને ચાર બાળકો સારિકા (10), નિહારિકા (8), ગોલૂ (6) અને કલ્લૂ (5)ની સાથે મોદીપુરમની જનતા કોલોનીમાં એક મકાનમાં ભાડે રહેતા હતા.
જણાવાયું છે કે, શનિવાર સાંજે બાળકો રૂમમાં રમી રહ્યા હતા. રૂમમાં બેડ પર વાયર વિખેરાયેલા હતા અને બાળકો મોબાઈલ ચાર્જર વીજળી બોર્ડમાં લગાવી રહ્યા હતા. ચાર્જર લગાવવા દરમિયાન શોર્ટ સર્કિટ થઈ ગઈ. વાયરમાં આગ લાગવાથી મોબાઈલમાં બ્લાસ્ટ થયો અને બેડમાં આગ લાગી ગઈ.
ત્યાં, આગથી ઘેરાયેલા બાળકોએ ચિચિયારીઓ પાડવાનું શરૂ કરી દીધું. બ્લાસ્ટ અને બાળકોનો અવાજ સાંભળીને જોની અને બબીતા રસોડાથી રૂમ તરફ દોડ્યા. બંને બાળકોને આગથી દાઝી ગયેલી હાલતમાં બહાર કાઢ્યા. બાળકોને બચાવવા દરમિયાન બબીતા અને જોની પણ ગંભીર રીતે દાઝી ગયા. જોનીના ઘરેથી ચિચિયારીઓનો અવાજ સાંભળીને પાડોશીઓ પણ દોડી આવ્યા.
પોલીસ અધિકારી મન્નેશ કુમારના અનુસાર, સારવાર દરમિયાન સારિકા અને કલ્લૂનું મોત થયું છે. પરિવારજનોએ પહેલા પોસ્ટમોર્ટમની ના પાડી રહ્યા હતા પરંતુ હવે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પિતા જોનીની મેડિકલ સારવાર ચાલી રહી છે, જ્યારે માતા બબીતાને ગંભીર હાલતમાં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. તેમની પણ હાલત નાજુક છે.
એસપી સિટી આયુષ વિકરમ સિંહે જણાવ્યું કે, શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી ગઈ. બાળકો અને દંપતી ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાંથી ચાર બાળકોના મોત થઈ ગયા છે. ડીએમ દીપક મીણાએ જણાવ્યું કે, સિટી મેજિસ્ટ્રેટએ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. પીડિત અને પીડિત પરિવારને આર્થિક સહાય માટે રિપોર્ટ મોકલાયો છે.