VIDEO: પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત થતાં ટોળાએ પોલીસ સ્ટેશનમાં મચાવ્યું તોફાન, 11 જવાન ઈજાગ્રસ્ત
Custodial Death in Davangere : કર્ણાટકના દાવણગેરે જિલ્લાના ચન્નાગિરીમાં પોલીસ કસ્ટડીમાં આદિલ નામના વ્યક્તિનું મોત થયા બાદ હિંસક ટોળાએ પોલીસ સ્ટેશનમાં તોફાન મચાવ્યું છે. રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કરવાની સાથે ઘણા વાહનોમાં આગ ચાપી દીધી છે. પોલીસે કહ્યું કે, 30 વર્ષીય આદિલને જુગાર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની આશંકાને પગલે 24મેએ કસ્ટડીમાં લેવાયો હતો, પરંતુ શુક્રવારે તેનું આરોગ્ય કથળવાના કારણે પોલીસ સ્ટેશનમાં જ મોત થયું હતું.
મૃતકના સંબંધીઓનો પોલીસ સ્ટેશનમાં હોબાળો
આદિલના મોતના સમાચાર મળતાં જ તેના સંબંધીઓએ પોલીસ સ્ટેશન ધસી આવ્યા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યું અને પથ્થરમારો પણ કર્યો હતો. જોકે પોલીસે લાઠીચાર્જ કરતા ટોળું વિખેરાઈ ગયું હતુંય મૃતકના સંબંધીઓએ આક્ષેપ કર્યો છે કે, પોલીસ કસ્ટડીમાં ટોર્ચર કરવાના કારણે આદિલનું મોત થયું છે.
ચન્નાગિરી પોલીસ છાવણીમાં ફેરવાયું
દાવણગેરેના પોલીસ અધિક્ષક ઉમા પ્રશાંકે કહ્યું કે, હાલ મૃતદેહનો સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે, ત્યારબાદ પરિવારજનોને સોંપી દેવાશે. તેમણે કહ્યું કે, હાલ પોલીસની ટીમ જ્યાં ઘટના બની તે વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે અને ચન્નાગિરીમાં વધારાની પોલીસે તહેનાત કરી દેવાઈ છે. આદિલનું પોલીસ કસ્ટડીમાં ટોર્ચર કરવાનું હોવાનો તેમણે ઈન્કાર કરવાની સાથે તેમણે કહ્યું કે, મૃતકના શરીર પર કોઈપણ ઈજાના નિશાન નથી.
આદિલને પોલીસ સ્ટેશનમાં લાવતા જ સાત મિનિટમાં થયું મોત
પોલીસે દાવો કર્યો છે કે, આદિલને પોલીસ સ્ટેશનમાં લવાયો તેની સાત મિનિટમાં જ તેનું મોત થયું હતું, પછી તેને તુરંત હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ લો બીપીના કારણે તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
પોલીસના સાત વાહનોને નુકસાન, 11 કર્મી ઘાયલ
દાવણગેરેને એસપી ઉમા પ્રશાંતે કહ્યું કે, ‘આદિલ નામના એક વ્યક્તિને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લવાયો હતો. આ દરમિયાન તે બેહોશ થઈને પડી ગયો હતો. આદિલ પોલીસ સ્ટેશનમાં છ-સાત મિનિટ પણ ન હતો, પરંતુ લોકો પોલીસ કસ્ટડીમાં મોત થયું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવાયેલા છે. મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે, આદિલના મોતની તપાસ કરવામાં આવશે. ટોળાના હુમલામાં સાત પોલીસ વાહનોને નુકસાન કરાયું છે અને હુમલામાં 11 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને કલમ 144 લાગુ કરી દેવાઈ છે.