Get The App

મણિપુરમાં ટોળાનો ઓફિસ પર હુમલો, એસપી સહિતના પોલીસકર્મી ઘાયલ

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
મણિપુરમાં ટોળાનો ઓફિસ પર હુમલો, એસપી સહિતના પોલીસકર્મી ઘાયલ 1 - image


- કાંગપોકપી જિલ્લામાં આગજની-તોડફોડ, સુરક્ષા વધારાઇ

- 31મી ડિસેમ્બરના કુકી સમાજની મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હોવાનો આરોપ, ગામમાં સુરક્ષા હટાવવાની માગ

- ભાજપ એ માચિસ છે જેણે મણિપુરને બાળી નાખ્યું, રાજ્યને સળગતુ રાખવા પાછળ તેમનો સ્વાર્થ છે : ખડગે

ઇમ્ફાલ : હિંસાગ્રસ્ત મણિપુર રાજ્યમાં નવા વર્ષે હિંસાની ઘટનાઓ વધવા લાગી છે. હવે અહીંના કાંગપોકપી જિલ્લામાં શુક્રવારે સાંજે ટોળાએ એસપી ઓફિસ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એસપી મનોજ પ્રભાકર સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થઇ ગયા હતા. સુરક્ષાદળોને હટાવવાની માગ સાથે ટોળુ એસપી ઓફિસ ધસી આવ્યું હતું, વિરોધ કરનારા મોટાભાગના કુકી સમુદાય સાથે જોડાયેલા છે. ટોળાએ હુમલા સમયે અનેક વાહનોને આગ લગાવી દીધી હતી. આ ઘર્ષણમાં પોલીસકર્મીઓની સાથે પ્રદર્શનકારીઓ પણ ઘવાયા છે.   

કુકી સમુદાયના લોકોનો આરોપ છે કે ૩૧મી ડિસેમ્બરના રોજ સુરક્ષાદળોએ સૈબોલ ગામમાં મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ કથિત લાઠીચાર્જ બાદ સુરક્ષાદળોને ગામમાંથી હટાવવાની માગ સાથે કુકી સમુદાયના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે એસપી ઓફિસનો ઘેરાવ કરીને તોડફોડ કરાઇ હતી. જોકે આ દરમિયાન પોલીસે પણ બળ પ્રયોગ કર્યો હતો જેને પગલે અનેક પ્રદર્શનકારીઓ પણ ઘાયલ થયા હતા. હાલમાં એસપી સહિતના પોલીસકર્મીઓને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે દાખલ કરાયા હતા. 

એસપી પર હુમલાને પગલે કાંગપોકપી જિલ્લામાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. ઇમ્ફાલના એક વરીષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં પરિસ્થિતિને કાબુમાં લઇ લેવામાં આવી છે અને એસપી પણ સંપૂર્ણપણે સ્વસ્થ છે, તેઓ જ સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા છે. સામસામે ઘર્ષણ દરમિયાન જે પ્રદર્શનકારીઓ ઘવાયા હતા તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિકોનો દાવો છે કે ૩૧મીના લાઠીચાર્જ દરમિયાન અનેક ગ્રામજનો ઘવાયા હતા, આ વિસ્તારમાં કુકી અને મૈતેઇ સમાજના લોકો વચ્ચે હિંસા રોકવા માટે બફર ઝોન તૈયાર કરાયો છે. મહિલાઓ આ કાર્યવાહીથી ગુસ્સે ભરાઇ હતી અને મોટી સંખ્યામાં એકઠા થઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી હિંસા ફેલાઇ છે જેમાં અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે હજારો લોકો ઘવાયા છે. મણિપુરમાં હિંસાને લઇને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે ભાજપ એ માચિસ છે જેણે મણિપુરને બાળી નાખ્યું. નરેન્દ્ર મોદી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ મણિપુર ગયા હતા પરંતુ હિંસા બાદ તેઓ ત્યાં નથી ગયા, મોદીની વર્ષ ૨૦૨૨ની આ મુલાકાત માત્ર મત મેળવવા માટે જ હતી. ૬૦૦ દિવસથી વધુનો સમય પસાર થઇ ગયો છે. અનેક ગામોનો સફાયો થઇ ચુક્યો છે. તાજેતરનો મામલો એસપી ઓફિસ પર હુમલાનો છે. ભાજપ પોતાના સ્વાર્થ માટે મણિપુરને સળગતુ રાખવા માગે છે.   


Google NewsGoogle News