મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ વધાર્યું ભાજપનું ટેન્શન, વિધાનસભા ચૂંટણીમાં માગી 20 બેઠક

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ વધાર્યું ભાજપનું ટેન્શન, વિધાનસભા ચૂંટણીમાં માગી 20 બેઠક 1 - image


Maharashtra Assembly Election 2024 : દેશમાં લોકસભા ચૂંટણી-2024 પૂર્ણ થયા બાદ હવે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને બેઠકની વહેંચણીનો રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં NDAની મહાયુતિ ગઠબંધને કોઈપણ શરત રાખ્યા વગર ભાજપને સમર્થન આપ્યું છે, તો બીજીતરફ રાજ ઠાકરે (Raj Thackeray)ની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ આગામી વિધાનસભા ચૂંટણીમાં સંભવિત બેઠક વહેંચણી મુદ્દે ભાજપ સાથે વાતચીત શરૂ કરી દીધી છે.

રાજ ઠાકરેની પાર્ટીએ મહારાષ્ટ્રમાં આ બેઠકોની માંગ કરી

સૂત્રોના જણાવ્યા મુજબ મનસેએ રાજ્યમાં 20 વિધાનસભા બેઠકોની માંગ કરી છે. પાર્ટીએ દાવો કરેલી બેઠકો મોટાભાગે મુંબઈ અને મુંબઈ મહાનગર ક્ષેત્રની છે. આમાં વર્લી, દાદર-માહિમ, સેવરી, મગાઠાણે, ડિંડોશી, જોગેશ્વરી, વર્સોવા, ઘાટકોપર પશ્ચિમ, ચેંબુર, ઠાણે, ભિવંડી ગ્રામીણ, કલ્યાણ ગ્રામીણ, નાસિક પૂર્વ, વાણી, પંઠરપુર, ઔરંગાબાદ મધ્ય અને પુણેની એક બેઠક સામેલ છે. રાજ ઠાકરેની પાર્ટી વર્લી બેઠક પર આદિત્ય ઠાકરે વિરુદ્ધ સંદીપ દેશપાંડેને મેદામાં ઉતારી શકે છે. જ્યારે નિતિન સરદેસાઈ દાદર-માહિમ પરથી અને શાલિની ઠાકરે વર્સોવાથી ચૂંટણી લડી શકે છે.

મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી

બીજીતરફ ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપને લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં પણ ફટકો પડ્યો છે. અહીં ભાજપે વર્ષ 2019માં 23 બેઠકો જીતી હતી, જોકે 2024માં માત્ર નવ બેઠકો જીતી છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેથી ભાજપની નબળી સ્થિતિને જોતા પાર્ટીની અંદર ખતરાની ઘંટી વાગી ગઈ છે.

ભાજપે જિલ્લા એકમોના અધ્યક્ષો-પદાધિકારીઓની બેઠક બોલાવી

મહારાષ્ટ્ર ભાજપે પાર્ટીની નબળી સ્થિતિ, પડકારો અને ખામીઓને દૂર કરવાની વ્યૂહનીતિ બનાવવા માટે 14 જૂને મુંબઈમાં જિલ્લા એકમોના અધ્યક્ષો અને પદાધિકારીઓની એક બેઠક યોજવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સહિત ઘણા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પ્રદેશ ભાજપા અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે (Chandrashekhar Bawankule) અને મુંબઈ ભાજપ પ્રમુખ આશીષ શેલાર (Ashish Shelar) પણ ઉપસ્થિત રહેશે. ભાજપ આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામોના પ્રદર્શન અંગે સમીક્ષા કરશે.


Google NewsGoogle News