'મરાઠા અનામત નહીં મળે, વાયદા કરનારા ઉલ્લુ બનાવી રહ્યા છે', મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાનું ચોંકાવનારું નિવેદન
Maharashtra Election | મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના અધ્યક્ષ રાજ ઠાકરે તેમના સ્પષ્ટવક્તા નિવેદનો માટે જાણીતા છે. ઘણી વખત તે એવા મુદ્દાઓ પર પણ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે કે જેના પર રાજકારણીઓ બોલવાનું ટાળે છે. હાલ તેમણે આવા જ એક સંવેદનશીલ મુદ્દા મરાઠા અનામત પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'મરાઠા અનામત નહીં મળે, વાયદા કરનારા ઉલ્લુ બનાવી રહ્યા છે.' રાજ ઠાકરેના આ નિવેદન પર હાલ મહારાષ્ટ્રમાં ભારે રાજકીય હોબાળો થઇ રહ્યો છે.
વર્ષોથી આંદોલન થાય છે પણ કંઇ મળ્યું નથી
રાજ ઠાકરેએ બુધવારે (6 નવેમ્બર) લાતુરમાં એક બેઠક દરમિયાન કહ્યું હતું કે, 'મરાઠા અનામતને લઈને વર્ષોથી આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી શું પ્રાપ્ત થયું? કંઇ મળ્યું નથી. આવા આંદોલનને સ્વીકારી શકાય નહીં. મરાઠા અનામત મળશે નહીં, વાયદા કરનારા તમને માત્ર ઉલ્લુ બનાવી રહ્યા છે. આમ છતા જો કોઈ કહે છે કે મરાઠા અનામત આપવામાં આવશે, તો તમે લોકો તેને પૂછો કે આ કેવી રીતે થશે.'
આ પણ વાંચોઃ 'જેના ઘર પર બુલડોઝર ફેરવ્યું તેને 25 લાખ વળતર આપો...' યોગી સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
આટલા વર્ષોથી આરક્ષણ કેમ ન મળ્યું?
એમએનએસ અધ્યક્ષે કહ્યું કે, 'જ્યારે મરાઠા સમાજની પહેલી માર્ચ મુંબઈ આવી ત્યારે ચારેય પક્ષોએ તેમનો સામનો કર્યો હતો. આટલા વર્ષો સુધી બધા સત્તામાં આવ્યા, પરંતુ કોઈએ અનામત ન આપી. માર્ચોના કારણે શું થયું? તમને આરક્ષણ કેમ ન મળ્યું? જરાંગે પાટીલ અનામત માટે ભૂખ હડતાળ પર બેઠા, પછી તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી લડશે, હવે કહે છે કે તેઓ લડવા માંગતા નથી. અરે ભાઈ, લડવું હોય તો લડો, ગમે તે રીતે લડો. પણ સવાલ એટલો જ છે કે મને કહો કે તમે કેવી રીતે અનામત આપશો. રાજકીય પક્ષો અવઢવથી બોલી રહ્યા છે કારણ કે આવી અનામત આપી શકાતી નથી.'
હું સાચી પરિસ્થીતિ રજૂ કરી રહ્યો છુંઃ રાજ ઠાકરે
રાજ ઠાકરેએ કહ્યું કે, 'હું માત્ર તમારી સામે સાચી પરિસ્થિતિ રજૂ કરી રહ્યો છું. હું જ્યારે મનોજ જરાંગે પાટિલને મળ્યો ત્યારે તેમને પણ કહ્યું હતું કે આ શક્ય નથી. આ એટલો જટિલ મામલો છે કે લોકસભામાં કાયદો બદલવો પડશે, સુપ્રીમ કોર્ટમાંથી આદેશ લેવો પડશે. આ માત્ર કોઈ એક રાજ્ય મહારાષ્ટ્રની વાત નથી, જો આ નીતિ લાગુ કરવામાં આવે તો કોઈ પણ સહન નહીં કરશે કે માત્ર એક રાજ્યમાં આવો લાભ મળે. પછી દરેક રાજ્યમાં આવી હિલચાલ થવા લાગશે. દરેક રાજકીય નેતા આ વાત જાણે છે.'