'આખી દુનિયામાં બેલેટ પેપરથી મતદાન તો ભારતમાં EVM કેમ..?' મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાનો સવાલ
રાજઠાકરેએ રાજ્યની રાજનીતિ અને અન્ય ઘણા મુદ્દાઓ પર તેમણે નિવેદનો આપ્યા
ઈવીએમ અંંગેે રાજ ઠાકરે (Image | Twitter ) |
Raj Thackeray On EVM: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ શનિવારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતા. ઈવીએમ અંગે તેમણે કહ્યું કે, ઈવીએમના બદલે બેલેટ પેપરથી મતદાન થવુ જોઈએ. મારો પ્રશ્ન એ છે કે, જો વિશ્વમાં દરેક જગ્યાએ મતદાન બેલેટ પેપરથી થાય છે, તો ભારતમાં જ કેમ EVM નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં રાજ ઠાકરેએ માત્ર EVM પર જ નહીં પરંતુ રાજ્યની રાજનીતિ અને અન્ય ઘણા મુદ્દાઓ પર તેમણે નિવેદનો આપ્યા હતા.
રાજ્યના રાજકારણ વિશે શું બોલ્યાં?
રાજ્યના રાજકારણ અંગે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં રાજકારણમાં વર્તમાનમાં જેવી સ્થિતિ દેખાઈ રહી છે તેવી મેં ક્યારેય જોઈ નથી. હવે જનતાએ જ ન્યાય કરવો પડશે નહીંતર તેઓ એવું માનવા લાગશે કે કોઈ તેમને પહોંચી નહીં વળે. જો સમયસર પ્રજા પગલાં નહીં ભરે તો મહારાષ્ટ્રનું રાજકારણ સંપૂર્ણપણે ગરકાવ થઈ જશે. મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરી મહિનામાં જ પાણીને લઈને તંગી સામે આવી જાય છે, ઘણા ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે, પરંતુ લોકો દ્વારા આ બધા પર ધ્યાન આપવામાં આવતું નથી, તેના બદલે જાતિને સહારો લેવામાં આવે છે.
શરદ પવાર સામે રાજ ઠાકરેએ તાક્યું નિશાન
રાજ ઠાકરેએ શરદ પવાર પર પણ નિશાન તાકતાં કહ્યું કે ક્યારેય છત્રપતિ શિવાજી મહારાજનું નામ ન લેનારા શરદ પવાર આજે તેમને યાદ કરે છે. શરદ પવારે કદાચ છત્રપતિ શિવાજી મહારાજનું નામ એટલા માટે નથી લીધું કારણ કે તેમને લાગતું હતું કે જો તેઓ તેમનું નામ લેશે તો મુસ્લિમોના વોટ ગુમાવશે અને હવે તે છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરી રહ્યો છે. આપણે આપણા મહાપુરુષોને જાતિઓમાં વહેંચી દીધા છે.