ચંડીગઢ યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થીનીઓનો MMS વાયરલ, અનેકે કર્યો આત્મહત્યાનો પ્રયત્ન
- ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ 60 વિદ્યાર્થીનીઓનો નહાતી વખતે વીડિયો રેકોર્ડ કર્યો હતો અને તેણે શિમલાના યુવકને વીડિયો મોકલાવ્યા હતા
ચંડીગઢ, તા. 18 સપ્ટેમ્બર 2022, રવિવાર
પંજાબના મોહાલીમાં એક યુનિવર્સિટીમાં મોડી રાતે હડકંપ મચી ગયો હતો જ્યારે એક વિદ્યાર્થિનીએ બીજી વિદ્યાર્થીનીનો નહાતી હોવાનો વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ હોસ્ટેલની 8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. યુનિવર્સિટીના ગેટ નંબર 2 પર વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો. અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભેગા થઈ ખૂબ જ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પોલીસના આવ્યા બાદ વિદ્યાર્થીઓ શાંત થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આત્મહત્યાનો પ્રયત્ન કરનાર વિદ્યાર્થીનીઓમાંથી એકની હાલત ગંભીર છે.
મોહાલી સ્થિત ચંડીગઢ યુનિવર્સિટીમાં શનિવારે મોડી રાત્રે હંગામો થઈ ગયો હતો. રાત્રે લગભગ 2:30 વાગ્યે ત્યાં અનેક વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે, ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ 60 વિદ્યાર્થીનીઓનો નહાતી વખતે વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોઝને વિદ્યાર્થીની એક છોકરાને મોકલતી હતી. તે છોકરો આ વીડિયોને ઈન્ટરનેટ પર અપલોડ કરતો હતો. આ મામલે ખૂબ જ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ અંગે પોલીસને સૂચના આપવામાં આવી છે.
'વી વોન્ટ જસ્ટિસ'ના નારા લગાવ્યા
યુનિવર્સિટીની સામે વિદ્યાર્થીઓએ રાત્રે ભારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ 'વી વોન્ટ જસ્ટિસ'ના નારા લગાવ્યા હતા અને યુનિવર્સિટીના ગેટ પર વિરોધ કર્યો હતો. આરોપી વિદ્યાર્થીનીની ઓળખ થઈ ગઈ છે. હોસ્ટેલમાં યુનિવર્સિટી પ્રશાસને અન્ય વિદ્યાર્થીનીઓની સામે તેની પૂછપરછ કરી હતી. વિદ્યાર્થિનીએ યુનિવર્સિટી પ્રશાસનની પૂછપરછમાં જણાવ્યું કે તે ઘણા સમયથી વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવી રહી હતી. જે છોકરાને તે આ વીડિયો મોકલતી હતી તે શિમલાનો રહેવાસી છે. જોકે, હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કેસ દાખલ કરવામાં નથી આવ્યો અને કોઈની ધરપકડ પણ કરવામાં નથી આવી.
8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો
60 વિદ્યાર્થીનીઓનો MMS બનાવીને તેને ઈન્ટરનેટ પર અપલોડ કરી દેવામાં આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીનીઓએ તે વીડિયો જોયો ત્યારે તેમને સમજાયું જ નહીં કે આ કેવી રીતે થયું. આ ઘટનાને કારણે હોસ્ટેલમાં રહેતી 8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પૈકી એક વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બાકીની વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.