તમિલનાડુના CM સ્ટાલિનનું મોટું એલાન, વિવાદિત નિવેદનો આપનાર દીકરાને બનાવશે ઉપમુખ્યમંત્રી
MK Stalin-can-make-Udhayanidhi-deputy-cm: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પોતાના દિકરા અને રાજ્યના યુવા કલ્યાણ અને રમત મંત્રી ઉધયનિધિને પ્રમોશન આપી ઝડપથી ઉપમુખ્યમંત્રી બનાવી શકે છે. ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સ્ટાલિન 22 ઓગસ્ટે અમેરિકા જવા રવાના થાય તે પહેલા ઉધયનિધિને નાયબ મુખ્યમંત્રી બનાવશે. જ્યારે સ્ટાલિનના પિતા એમ. કરુણાનિધિ મુખ્યમંત્રી હતા, ત્યારે સ્ટાલિનને 2009માં ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. બાદમાં સ્ટાલિન તમિલનાડુના રાજકારણમાં મોટા નેતા તરીકે ઉભરી આવ્યા હતા.
ઉધયનિધિ પાર્ટીનો ચહેરો બનશે
ડીએમકેના સૂત્રોએ જણાવ્યું કે ઉધયનિધિ 2026ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો ચહેરો બની શકે છે. ડીએમકે પાર્ટી કેડર અને નેતાઓ ઇચ્છે છે કે ઉધયનિધિને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવે. તેમનું માનવું છે કે આ પગલાંથી 2026ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે.
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઉધયનિધિને ઉપમુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવાની તૈયારીઓ થઈ હતી, પરંતુ કલ્લાકુરિચી લઠ્ઠાકાંડ તેમજ ઉધયનિધિની સનાતન ધર્મ વિરૂદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે ડીએમકે અને સ્ટાલિને તેમના પુત્ર ઉધયનિધિને નાયબ મુખ્યમંત્રી બનાવવાની યોજના મોકૂફ રાખી હતી કલ્લાકુરિચી લઠ્ઠાકાંડમાં 65 લોકોએ જીવ ગુમાવ્યા હતા.