VIDEO: મિઝોરમમાં ભૂસ્ખલનમાં 25ના મોત, ઘણા લોકો લાપતા, મૃત્યુઆંક વધવાની સંભાવના, તપાસ અભિયાન ચાલુ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
VIDEO: મિઝોરમમાં ભૂસ્ખલનમાં 25ના મોત, ઘણા લોકો લાપતા, મૃત્યુઆંક વધવાની સંભાવના, તપાસ અભિયાન ચાલુ 1 - image


Mizoram Landslide : મિઝોરમમાં મંગળવારે (28 મે) મુશળધાર વરસાદ પડવાને કારણે ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં કુલ 25 લોકોના મોત થયા છે, જ્યારે હજુ પણ ઘણા લોકો કાટમાળ હેઠળ દબાયેલા હોવાથી મત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા હાલ પુરજોશમાં બચાવ અભિયાન ચાલી રહ્યું છે. જોકે ભારે વરસાદને કારણે બચાવ કાર્યમાં પણ અવરોધ ઉભો થઈ રહ્યો છે.

કાટમાળ નીચે અનેક ઘરો દટાયા, સૌથી વધુ આઈઝોલમાં અસર

મિઝોરમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (MSDMA)એ આજે (29 મે) સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, લાપતા થયેલા લોકોને શોધવા ઘણા સ્થળોએ પુરજોશમાં બચાવ અભિયાન ચાલી રહ્યું છે. કેટલાક સ્થળોએ પથ્થરની ખાણ ધસી પડી છે, જેના કારણે મંગળવારે સવારે ઘણા ઘરો ધરાશાઈ થયા છે. ભૂસ્ખલનની સૌથી વધુ અસર આઈઝોલમાં થઈ છે અને ઘણા કલાકો સુધી તેનો સંપર્ક પણ તુટી ગયો છે. આઈઝોલ શહેરના મેલ્થમ અને હ્વિમેન વચ્ચેના વિસ્તારમાં પથ્થરની એક ખાણ ધસી ગઈ છે, જેમાં બે સગીર સહિત ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય આઠ લોકો લાપતા હોવાની વિગતો સામે આવી છે.

વરસાદ બંધ થતા રાહત કાર્ય ઝડપી શરૂ કરાયું

MSDMAએ કહ્યું કે, હાલ પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનને કારણે ઘણા મકાનો અને શિબિરો ધરાશાઈ થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, હાલ રાજ્યમાં વાતાવરણ ઠીક છે અને વાદળછાયું વાતાવરણ છે. જોકે સવારથી વરસાદ બંધ થતા રાહત કાર્ય ઝડપી શરૂ કરી દેવાયું છે. આઈઝોલના કમિશનર નાજુક કુમારે મંગળવારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઘટનાસ્થળને સંપૂર્ણ સાફ કરવામાં નહીં આવે, ત્યાં સુધી બચાવ અભિયાન ચાલુ રાખીશું.

વરસાદને કારણે શાળાઓમાં રજા

આઈઝોલમાં ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે. હંથરમાં નેશનલ હાઈવે-6 પર ભૂસ્ખલનને કારણે આઈઝોલ દેશના અન્ય ભાગોથી છુટુ પડી ગયું છે. વરસાદના કારણે હાલની સ્થિતિને જોતા તમામ શાળાઓ રજા જાહેર કરી દેવામાં આવી છે.


Google NewsGoogle News