મિઝોરમ વિધાનસભાના ચૂંટણીના પરિણામ 1 દિવસ મોડા જાહેર કરાશે, જાણો શા માટે લેવાયો નિર્ણય

હવે 4 રાજ્યોના પરિણામ સાથે 3 ડિસેમ્બર નહીં પણ 4 ડિસેમ્બરે મિઝોરમના પરિણામ આવશે

મહિના પહેલા થઇ રહી હતી માગ, હવે આખરે નિર્ણય લેવાયો

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
મિઝોરમ વિધાનસભાના ચૂંટણીના પરિણામ 1 દિવસ મોડા જાહેર કરાશે, જાણો શા માટે લેવાયો નિર્ણય 1 - image


Mizoram Election Result Date: પાંચ રાજ્યોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે એક મોટું અપડેટ સામે આવ્યું છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામની તારીખ બદલાઈ ગઈ છે. ચૂંટણી પંચે કહ્યું કે હવે મિઝોરમ વિધાનસભાની મતગણતરી રવિવાર (3 ડિસેમ્બર)ને બદલે સોમવારે (4 ડિસેમ્બર) થશે.

શા માટે લેવાયો નિર્ણય 

ચૂંટણી પંચે કહ્યું કે મિઝોરમના લોકો માટે રવિવારનું વિશેષ મહત્વ છે. આ કારણોસર તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ અમને તારીખ બદલવાનું કહ્યું હતું. મિઝોરમની 40 સીટો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું. અગાઉ મિઝોરમમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોના દિવસે એટલે કે 3 ડિસેમ્બરે જાહેર થવાના હતા.

રવિવારનો ખ્રિસ્તી સમુદાય માટે ખાસ મહત્ત્વ 

ખરેખર 3જી ડિસેમ્બરે રવિવાર છે. ખ્રિસ્તી સમુદાયના લોકો ખાસ કરીને રવિવારે ચર્ચમાં જાય છે. આ કારણોસર તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં 87 ટકા વસ્તી ખ્રિસ્તી છે. લોકો માંગ કરી રહ્યા હતા કે પરિણામની તારીખમાં ફેરફાર કરવામાં આવે. દરમિયાન કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા કે ચૂંટણી પંચે નિર્ણય કરવામાં આટલો મોડો કેમ કર્યો.

કોંગ્રેસે શું કહ્યું?

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ મિઝોરમમાં ચૂંટણી પરિણામોની તારીખ બદલીને 4 ડિસેમ્બર કરવાનું કહ્યું હતું. એક મહિના પહેલા પણ આ જ માંગણી કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પંચ મૌન રહ્યું હતું. હવે અણીએ આવી ગયા બાદ તારીખ લંબાવવામાં આવી છે. આટલું સરળ અને સ્પષ્ટ પગલું ભરવામાં વિલંબ શા માટે?

મિઝોરમ વિધાનસભાના ચૂંટણીના પરિણામ 1 દિવસ મોડા જાહેર કરાશે, જાણો શા માટે લેવાયો નિર્ણય 2 - image


Google NewsGoogle News