મિથુન ચક્રવર્તી VS શત્રુઘ્ન સિન્હા: લોકસભા ચૂંટણીમાં બે દિગ્ગજ અભિનેતા વચ્ચે થઈ શકે છે ટક્કર
- શત્રુઘ્ન સિન્હાએ 2022ની પેટાચૂંટણીમાં આસનસોલ બેઠક પર ત્રણ લાખથી વધુના માર્જિનથી જીત મેળવી હતી
કોલકાતા, તા. 07 ફેબ્રુઆરી 2024, બુધવાર
પશ્ચિમ બંગાળની સૌથી હાઈપ્રોફાઈલ બેઠકમાંથી એક આસનસોલ પર બોલીવુડના બે દિગ્ગજો વચ્ચે ટક્કર થઈ શકે છે. અહીં શત્રુઘ્ન સિન્હા અને મિથુન ચક્રવર્તી વચ્ચે આ ટક્કર થઈ શકે છે. આસનસોલથી તૃણમૂલ કોંગ્રેસે ફરી બિહારી બાબુ શત્રુઘ્ન સિન્હાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય તો લઈ લીધો છે પરંતુ ભાજપમાંથી શત્રુઘ્ન સિન્હાને કોણ ટક્કર આપશે. તેના પર હજું પણ મહોર લાગવાની બાકી છે. જો કે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં નથી આવી પરંતુ શત્રુઘ્ન સિંહાને 2024ની આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે TMC દ્વારા નોમિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મમતા બેનર્જીએ આ નિર્ણયની પુષ્ટિ કરી
પશ્ચિમ બર્ધમાનના નેતાઓ સાથે બંધ બારણે કરેલી બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ નિર્ણયની પુષ્ટિ કરી હતી. આસનસોલથી ફરીથી જીતની આશામાં શત્રુઘ્ન સિન્હાને ટીએમસીમાંથી ટિકિટ આપવાની યોજના છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે અહીં દરેકને આશા છે કે શત્રુઘ્ન સિન્હાને ક્ષેત્રીય નેતા તરીકે માન્યતા પ્રાપ્ત થવાની આશા છે. એ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે કે, શત્રુઘ્ન સિન્હાએ 2022ની પેટાચૂંટણીમાં આસનસોલ બેઠક પર ત્રણ લાખથી વધુના માર્જિનથી જીત મેળવી હતી. આ પહેલા ભાજપે 2014 અને 2019માં જીત મેળવી હતી.
બીજી તરફ ભાજપ તરફથી અગ્નિમિત્રા પોલ અને જિતેન્દ્ર તિવારીના નામની અટકળો આસનસોલના રાજકીય કોરિડોરમાં ચાલી રહી છે. 2022ની પેટાચૂંટણીમાં શત્રુઘ્ન સિન્હા સામે અગ્નિમિત્રા પોલને ઉતારવામાં આવ્યા હતા પરંતુ તેઓ મોટા માર્જિનથી હારી ગયા હતા.
જિતેન્દ્ર તિવારીનું પણ ચાલી રહ્યું છે નામ
બીજી તરફ આસનસોલના પૂર્વ મેયર જિતેન્દ્ર તિવારી પણ આસનસોલ બેઠક પરથી બીજેપીના લોકસભા ઉમેદવાર બની શકે છે. આસનસોલમાં બંગાળી અને બિન બાંગ્લા ભાષી વોટર્સની સંખ્યા લગભગ બરાબર છે. જિતેન્દ્ર તિવારીની હિન્દી ભાષી વોટર્સ પર મજબૂત પકડ છે અને આ પહેલા તેઓ તૃણમૂલમાં હોવાના કારણે ભાજપને લાગે છે કે, ટીએમસીની રણનીતિને તેઓ સારી રીતે સમજી શકે છે.
મિથુન ચક્રવર્તી પણ આપી શકે છે ટક્કર
જોકે, ભાજપની અંદરખાને એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે જો શત્રુઘ્ન સિન્હાને કોઈ મોટા સ્ટાર સામે મેદાનમાં ઉતારવામાં આવે તો તે બરાબરીનો મુકાબલો થશે અને ભાજપ જીત મેળવી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ પાસે સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીના રૂપમાં એક મોટો સ્ટાર છે અને ગત વર્ષે બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન મિથુન ચક્રવર્તીએ ખૂબ પ્રચાર કર્યો હતો અને તેમની માંગ પણ ખૂબ હતી.
જોકે, હજુ સુધી શત્રુઘ્ન સિન્હા સામે મેદાનમા કોણ ઉતરશે તેના પર બીજેપીએ ઉમેદવાર નક્કી નથી કર્યો.