22 ભારતીય ક્રુ સાથેના બ્રિટિશ જહાજ પર હુથી આતંકિઓનો મિસાઈલ હુમલો
- ભારતીય ડિસ્ટ્રોયર જહાજ એડનની ખાડીમાં બ્રિટિશ ઓઈલ ટેન્કરની મદદે
- હુથી આતંકીઓનો દાયકાઓમાં પહેલી વખત અમેરિકન નેવીના પેટ્રોલિંગ જહાજ પર સીધો હુમલો : મધ્ય-પૂર્વમાં તંગદિલી વધી
નવી દિલ્હી/જેરુસલેમ : ઈઝરાયેલ અને હમાસના યુદ્ધ વચ્ચે હુથી આતંકીઓએ હમાસના સમર્થનમાં હિન્દ મહાસાગરથી લઈને એડનના સમુદ્ર સુધીના સૌથી વ્યસ્ત વ્યાપારિક સમુદ્રી માર્ગ પર વ્યાપારી જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આવા સમયે લાલ સાગરમાં હુથી આતંકીઓએ એડનની ખાડીમાં બ્રિટનના એક ઓઈલ ટેન્કર પર મિસાઈલથી હુમલો કર્યો હતો. જોકે, ભારતીય નેવીનું ડિસ્ટ્રોયર જહાજ તાત્કાલિક તેની મદદે પહોંચ્યું હતું. બીજીબાજુ હુથી આતંકીઓએ એડનના અખાતમાં પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન યુદ્ધ જહાજ પર હુમલો કર્યો હતો. જેને પગલે લાલ સાગરમાં તણાવ વધ્યો છે. યુએસ નેવીએ પણ હુથી આતંકીઓ પર હુમલો કર્યો હતો.
એડનના અખાતમાં બ્રિટિશ વ્યાપારિક જહાજ માર્લિન લુઆન્ડા પર યમન અને ઈરાન સ્થિત હુથી આતંકીઓએ શુક્રવારે મિસાઈલથી હુમલો કર્યો હતો. હુથીના મિસાઈલ હુમલા પછી જહાજમાં આગ લાગી ગઈ હતી. આ બ્રિટિશ જહાજ પર ૨૨ ભારતીય અને ૧ બાંગ્લાદેશીનો ક્રુમાં સમાવેશ થાય છે. માર્લિન લુઆન્ડાની વિનંતીના પગલે ભારતીય નેવીએ તેના ડિસ્ટ્રોયર આઈએનએસ વિશાખાપટ્ટનમને મદદ માટે મોકલ્યું હતું.
ભારતીય નૌકાદળે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું, તેની ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ વિશાખાપટ્ટનમને એડનની ખાડીમાં તૈનાત કરાયું છે. બ્રિટિશ ઓઈલ ટેન્કર પર આગ લાગી હોવાથી શુક્રવારે ફાયર ફાઈટિંગના સાધનો સાથે નેવીની એનબીસીડીની એક ટીમને મદદ માટે મોકલાઈ હતી. ભારતીય નેવીના પ્રવક્તાએ કહ્યું કે, ભારતીય નેવી સમુદ્રમાં વ્યાપારિક જહાજોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. દરમિયાન અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, હુતી આતંકીઓએ યમનના ક્ષેત્રોમાંથી એડનના અખાતમાં પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકાના યુદ્ધ જહાજ પર હુમલો કર્યો હતો. મધ્ય પૂર્વમાં દાયકાઓથી અમેરિકન નેવી વ્યાપારિક જહાજોનું રક્ષણ કરી રહી છે ત્યારે હુથી આતંકીઓએ શુક્રવારે અમેરિકન યુદ્ધ જહાજ ડિસ્ટ્રોયર કાર્નેય પર સૌથી મોટો હુમલો કર્યો હતો, જેના કારણે મધ્ય-પૂર્વમાં તંગદિલી વધી છે. હુથી આતંકીઓને જવાબ આપતા અમેરિકન નેવીએ પણ હુમલો કર્યો હતો.
હુથી આતંકીઓની અલ-મસિરાહ સેટેલાઈટ ન્યૂઝ ચેનલે કહ્યું હતું કે, પોર્ટ સિટી હોડેઈડા નજીક તેમણે યુએસ જહાજ પર હુમલો કર્યો હતો. ડિસ્ટ્રોયર કાર્ને પર હુથીઓનો હુમલો દર્શાવે છે કે દાયકાઓમાં પહેલી વખત આતંકીઓએ અમેરિકન યુદ્ધ જહાજને સીધું નિશાન બનાવ્યું છે. જોકે, હુથી આતંકીઓના પ્રવક્તા બ્રિગેડિયર જન. યાહ્યા સારીએ કાર્ને પર હુમલાની પુષ્ટી કરી નહોતી, પરંતુ તેમણે બ્રિટિશ વ્યાપારિક જહાજ પર હુમલાની અને તેમાં આગ લાગી હોવાની પુષ્ટી કરી હતી.