મુઝફ્ફરપુર: બદમાશોએ ઘરમાં ઘૂસીને કર્યું અંધાધૂંધ ફાયરિંગ, એક જ પરિવારના 4 સભ્યોને મારી ગોળી
Image Source: Twitter
- મુઝફ્ફરપુરની ખાનગી હોસ્પિટલમાં તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે
મુઝફ્ફરપુર, તા. 26 ઓક્ટોબર 2023, ગુરૂવાર
બિહારમાં બદમાશો એટલા બેખૌફ બની ગયા છે કે તેઓ ઘરમાં ઘૂસીને ગોળીબારની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આ મામલો મુઝફ્ફરપુર જિલ્લાના કટરા પોલીસ સ્ટેશન હેઠળ જજુઆર ઓપી ક્ષેત્રનો છે. બુધવારે રાત્રે બદમાશોએ એક જ પરિવારના 4 લોકોને ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં ત્રણની હાલત ગંભીર છે. મુઝફ્ફરપુરની ખાનગી હોસ્પિટલમાં તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
ઘાયલોમાં હેમ ઠાકુર, તેમની પત્ની મોતી દેવી, મોટો પુત્ર અંકિત કુમાર અને નાનો પુત્ર અમન કુમાર સામેલ છે. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પરસ્પર કોઈ મામલે વિવાદના કારણે આ ફાયરિંગ કરવામાં આવ્યુ છે. જોકે, પીડિત પરિવારનું કહેવું છે કે, તેમનો કોઈ સાથે વિવાદ નહતો. પોલીસને ઘટના સ્થળેથી અનેક બંદૂક બુલેટ કેસીંગ્સ મળી આવ્યા છે. હજુ સુધી કોઈની ધરપકડ નથી થઈ.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગોળીબાર પહેલા મંગળવારે જજુઆર માં દુર્ગા પૂજા મેળામાં બંને પક્ષના યુવાનો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ ગઈ હતી. સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ સ્થાનિક લોકોની મદદથી ઝઘડો રોકી બંને પક્ષોને અલગ-અલગ હટાવી દીધા હતા. પરંતુ બુધવારે મૂર્તિ વિસર્જન બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો.
ઘાયલ નાના પુત્રએ જણાવી સમગ્ર ઘટના
આ ગોળીબારમાં ઘાયલ થયેલા હેમ ઠાકુરના નાના પુત્ર અમને કહ્યું કે, આ ઘટના રાત્રે 9:00 કે 9:30 વાગ્યે બની હતી. અમે ભોજન કરી રહ્યા હતા. અભિષેક કુમાર, હર્ષ ઠાકુર, પ્રશાંત ઝા, અજીત કુમાર અને કેટલાક અજ્ઞાત લોકો ઘરે આવ્યા અને તેમણે અવાજ આપી બોલાવ્યા તો મારા પિતા અને ભાઈ બહાર નીકળ્યા. ત્યારબાદ આ લોકોએ અંધાધૂંધ ફાયરિંગ ચાલું કરી દીધું. તેમને બચાવવા જતા મને પણ હાથમાં ગોળી વાગી. તેઓ બાઈક પર આવ્યા હતા અને બે પિસ્ટોલથી ફાયરિંગ કર્યું હતું.
પીડિત પરિવારે પાંચની ઓળખ કરી
સૂચના મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા ડીએસપી સહરિયાર અખ્તરે જણાવ્યું કે રાત્રે લગભગ 10:30 વાગ્યે સૂચના મળી હતી કે, બદમાશોએ એક જ પરિવારના ચાર લોકોને ગોળી મારી દીધી છે. પેટ્રોલિંગ કાર ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં તે લોકો હોસ્પિટલ રવાના થઈ ગયા હતા. પીડિત પરિવારે પાંચ લોકોની ઓળખ કરી છે. કેટલાક અજાણ્યા લોકો પણ છે. આ અંગે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. કોઈની ધરપકડ કરવામાં નથી આવી નથી. ઘટના સ્થળેથી બંદૂક બુલેટ કેસીંગ્સ મળી આવ્યા છે. હજુ સારવાર ચાલુ છે. આ વિવાદ અંગે અત્યારે સ્પષ્ટ કંઈ કહેવું યોગ્ય નથી.