'INDI ગઠબંધન તાશના પત્તાની જેમ....', મતદાન વચ્ચે કેન્દ્રીય મંત્રીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
Image : IANS |
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી લોકસભા બેઠકના અપના દળ (સોનેલાલ)ના ઉમેદવાર અનુપ્રિયા પટેલે મત ઈન્ડિયા ગઠબંધનને લઈને નિવેદન આપ્યું હતું.
ચોથી જૂને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે
આજે લોકસભા ચૂંટણી 2024નો છેલ્લો તબક્કો છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની 13 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અને મિર્ઝાપુર લોકસભા બેઠકના અપના દળ (સોનેલાલ)ના ઉમેદવાર અનુપ્રિયા પટેલ મતદાન કેન્દ્ર પર પહોંચીને પોતાનો મત આપ્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ઈન્ડિયા ગઠબંધન અને નરેન્દ્ર મોદી વિશે નિવેદન આપતા કહ્યું હતું કે 'મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મિર્ઝાપુરના સામાન્ય રહેવાસી ફરી એકવાર તેમના અમૂલ્ય મતથી મને આશીર્વાદ આપશે. ચોથી જૂને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ઈન્ડિયા ગઠબંધન તાશના પત્તાની જેમ વિખેરાઈ જશે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત મજબૂત NDA સરકાર બનશે.'
ઉત્તર પ્રદેશની 13 બેઠકો પર મતદાન
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં આજે મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બાંસગાંવ, ઘોસી, સલેમપુર, બલિયા, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર અને રોબર્ટસગંજ બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ 13 બેઠકો મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, મૌ, બલિયા, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર અને સોનભદ્ર જિલ્લાઓમાં આવેલી છે.