કેરળમાં ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડના જંગલમાં 'ચમત્કાર', 5 દિવસ બાદ 4 બાળકોનું અદ્ભુત રેસ્ક્યુ
Image: Facebook
Kerala Landslide: કેરળના વાયનાડમાં આવેલા વિનાશકારી ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે, અને મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા છે. આ ભયાનક આપત્તિ વચ્ચે એક સુખદ સમાચાર પણ સામે આવ્યા છે. ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડમાં કેરળના વન અધિકારીઓ દ્વારા 8 કલાકના અથાગ અભિયાન બાદ એક દૂરની આદિવાસી વસતીમાંથી 6 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
આ રેસ્ક્યુ અભિયાન પર પ્રતિક્રિયા આપતાં કેરળના સી. એમ પિનારાઈ વિજયને કહ્યું, 'વન અધિકારીઓનો આ જુસ્સો આપણને યાદ અપાવે છે કે સંકટના સમયમાં પણ કેરળની જીવનશક્તિ ચમકતી રહે છે. અમે એકત્ર થઈને પુન:નિર્માણ કરીશું તથા વધુ મજબૂત થઈને ઊભરીશું.'
કલપેટ્ટા રેન્જના વન અધિકારી કે. હશીસના નેતૃત્વમાં ચાર સભ્યોની ટીમે ગુરુવારે એક આદિવાસી પરિવારને બચાવવા માટે જંગલની અંદર એક જોખમી રસ્તાને પાર કરીને આ રેસ્ક્યુ અભિયાનને અંજામ આપ્યો. બચાવવામાં આવેલાં બાળકોમાં આદિવાસી સમુદાયના એકથી ચાર વર્ષની ઉંમરના ચાર બાળકો સામેલ છે.
જંગલની અંદર પહાડ પર ફસાયો હતો પરિવાર
વાયનાડના પનિયા સમુદાય સાથે સંબંધ ધરાવનાર આ પરિવાર એક પહાડના શિખર પર એક ગુફામાં ફસાયો હતો. જેની ઉપર એક ગાઢ ખાઈ છે અને ટીમને ત્યાં પહોંચવામાં સાડા ચાર કલાકથી વધુનો સમય લાગ્યો. હશીસે કહ્યું કે તેમણે ગુરુવારે માતા અને ચાર વર્ષના બાળકને વન વિસ્તારની પાસે ભટકતાં જોયા અને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેના ત્રણ અન્ય બાળકો અને તેમના પિતા ભોજન વિના એક ગુફામાં ફસાયેલા છે.
હશીસે કહ્યું કે પરિવાર આદિવાસી સમુદાયના એક ખાસ વર્ગ સાથે સંબંધ ધરાવે છે. જે સામાન્ય રીતે બહારના લોકો સાથે વાતચીત કરવાથી બચે છે. તેમણે કહ્યું, 'તેઓ સામાન્ય રીતે વન ઉત્પાદનો પર આશ્રિત રહે છે અને તેને સ્થાનિક બજારમાં વેચીને ચોખા ખરીદે છે. જો કે, એવું લાગે છે કે ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે તેઓ કોઈ ભોજન મેળવવામાં અસમર્થ હતા.'
ખડકો પર ચઢવા માટે લીધો હતો દોરડાંનો આશરો
વન રેન્જ અધિકારીએ પોતાની જોખમી યાત્રા વિશે જણાવ્યું, જેમાં તેમને ભારે વરસાદની વચ્ચે લપસણા અને ઢાળવાળા ખડકોમાંથી પસાર થવું પડ્યું. હશીસે કહ્યું, 'બાળકો થાકેલા હ. તા અને અમે પોતાની સાથે ખાણી-પીણીનો જે પણ સામાન લઈ ગયા હતા તે તેમને ખવડાવ્યો. બાદમાં ખૂબ સમજાવ્યા બાદ તેમના પિતા અમારી સાથે આવવા માટે રાજી થઈ ગયા અને અમે બાળકોને પોતાના શરીર સાથે બાંધી લીધા અને પછી પોતાની યાત્રા શરુ કરી દીધી.' અધિકારીઓએ લપસણા ખડકો પર ચઢવા માટે વૃક્ષો અને ખડકો સાથે દોરડાં બાંધવા પડ્યા.
તેઓ અટ્ટામાલાના પોતાની સ્થાનિક ઑફિસમાં પાછા આવી ગયા, જ્યાં બાળકોને ભોજન જમાડ્યું અને તેમને વસ્ત્ર અને બૂટ આપ્યા. તેમણે જણાવ્યું કે હાલ તેમને ત્યાં રાખવામાં આવ્યા છે અને બાળકો હવે સુરક્ષિત છે. કેરળના સી. એમ પિનારાઈ વિજયને વન અધિકારીઓના પડકારપૂર્ણ પ્રયત્નના વખાણ કરવા માટે સોશિયલ મીડિયાનો આશરો લીધો અને તસવીરો શેર કરી.
સી. એમ વિજયને વખાણ કર્યાં
સી. એમ વિજયને શુક્રવારે એક્સ પર લખ્યું, 'ભૂસ્ખલન અસરગ્રસ્ત વાયનાડમાં અમારા સાહસી વન અધિકારીઓ દ્વારા 8 કલાકના અથાગ અભિયાન બાદ એક આદિવાસી વસ્તીથી દૂર છ કિંમતી જીવ બચાવવામાં આવ્યા. 'વન અધિકારીઓનો આ જુસ્સો આપણને યાદ અપાવે છે કે સંકટના સમયમાં પણ કેરળની જીવનશક્તિ ચમકતી રહે છે. અમે એકત્ર થઈને પુન:નિર્માણ કરીશું તથા વધુ મજબૂત થઈને ઊભરીશું.'
હશીસની સાથે બ્લોક ફોરેસ્ટ ઑફિસર બી. એસ. જયચંદ્રન, બીટ ફોરેસ્ટ ઑફિસર કે. અનિલકુમાર અને આર. આર. ટી (રેપિડ રિસ્પોન્સ ટીમ) ના સભ્ય અનુપ થોમસે પરિવારને બચાવવા માટે સાત કિલોમીટરથી વધુ લાંબી યાત્રા કરી. જ્યારે વરસાદ પડ્યો ત્યારે વન વિભાગે વાયનાડમાં આદિવાસી સમુદાયના મોટાભાગના સભ્યોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડી દીધા હતા. અધિકારીએ જણાવ્યું કે આ પરિવાર થોડા સમયથી જંગલની અંદર રહી રહ્યો હતો.