કાશ્મીરમાં માઇનસ તાપમાન યથાવત : દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી વિમાનો-ટ્રેનોને અસર
- કાશ્મીરના અનંતનાગના પહેલગામમાં માઇનસ 4.7 ડિગ્રી તાપમાન
- દેશની રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ઓછી દ્રશ્યતાને પગલે 30 ફલાઇટના સમયમાં વિલંબ થયો
- આગામી ત્રણ-ચાર દિવસ ગાઢ ધુમ્મસ યથાવત રહેશે, ગાઢ ધુમ્મસથી ફેફસાને નુકસાન થવાનો ખતરો : હવામાન વિભાગ
શ્રીનગર : કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં રાતના લઘુતમ તાપમાનમાં ઘટાડો ચાલુ છે. બીજી તરફ આજે સવારે ગાઢ ધુમ્મસને કારણે જીવન ઠપ ગઇ ગયું હતું તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના ઉનાળાના પાટનગર શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે એક દિવસ પહેલા માઇનસ ૨.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં લઘુતમ તાપમાન માઇનસ ૪.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. એક દિવસ પહેલા અહીં લઘુતમ તાપમાન માઇનસ ૪.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૩.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે સિઝનના સરેરાશ તાપમાનથી ત્રણ ડિગ્રી વધુ છે. દિલ્હીમાં પણ સવારે ગાઢ ધુમ્મસ છવાઇ જવાને કારણે ફલાઇટ અને ટ્રેનોની અવરજવરને અસર થઇ હતી.
્એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસ અને ઓછી દ્રશ્યતાને કારણે ૩૦ ફલાઇટના સમયમાં વિલંબ થયો હતો.
ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ત્રણ થી ચાર દિવસ ગાઢ ધુમ્મસનું પ્રમાણ યથાવત રહેશે. ઉત્તર પૂર્વ અને મધ્ય ભારતમાં ગાઢ ધુમ્મસનું પ્રમાણ યથાવત રહેશે. પંજાબ અને હરિયાણામાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલુ હતું.
આ દરમિયાન હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે લોકોના આરોગ્ય પર વિપરિત અસર પડી શકે છે. ગાઢ ધુમ્મસમાં પાર્ટિકુલેટ મેટર અને બીજા પ્રદૂષક તત્ત્વ હોય છે. આ તત્ત્વો ફેફસામાં જમા થવાનો ખતરો રહે છે. જેના કારણે ફેફસાની ક્ષમતા ઘટી જાય છે. જેના કારણે ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ પેદા થાય છે. આંખોમાં બળતરા થાય છે અને સંક્રમણનો ખતરો રહે છે.