Get The App

AMUથી માંડી મદરેસાઓ સુધી... નિવૃત્ત થતાં પહેલાં આ પાંચ મોટા ચુકાદા આપશે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ

Updated: Nov 3rd, 2024


Google NewsGoogle News
AMUથી માંડી મદરેસાઓ સુધી... નિવૃત્ત થતાં પહેલાં આ પાંચ મોટા ચુકાદા આપશે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ 1 - image


CJI ચંદ્રચૂડ : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં તેમની પાસે માત્ર 5 કામકાજના દિવસો બાકી છે. આ કામકાજના દિવસો દરમિયાન તેમણે ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર નિર્ણય આપવાનો છે, જેમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) ને લઘુમતી સંસ્થાનો દરજ્જો આપવા, મદરેસા કાયદાની માન્યતા, સંપત્તિની પુનઃવિતરણ વગેરે સંબંધિત વિવાદનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્ત થતાં પહેલા મુખ્ય ન્યાયાધીશ જે મુદ્દાઓ પર પોતાનો ચુકાદો આપશે, તેની માત્ર રાજકારણ પર જ નહીં પરંતુ સામાન્ય લોકોના જીવન પર પણ અસર પડશે. 

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રવિવારી બજારમાં મોટો ગ્રેનેડ હુમલો, 12 નાગરિક ઈજાગ્રસ્ત

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેસ

મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વમાં સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતી સંસ્થાનો દરજ્જો આપવા સંબંધિત મુદ્દાઓ પર 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. બંધારણની કલમ 30 હેઠળ AMUને લઘુમતીનો દરજ્જો છે કે નહીં તે કાયદાકીય પ્રશ્ન પર બંધારણીય બેંચ પોતાનો ચુકાદો આપશે.

ભરતી પ્રક્રિયા બાદ નિયમોમાં ફેરફારનો મામલો

સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની બંધારણીય બેંચ કાયદાકીય પ્રશ્ન પર પોતાનો ચુકાદો આપશે કે શું ભરતી પ્રક્રિયા શરૂ થયા પછી નિયમો અને શરતો બદલી શકાય છે? બંધારણીય બેંચે 23 જુલાઈના રોજ આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટમાં અનુવાદકોની નિમણૂકને લઈને આ કાનૂની પ્રશ્ન ઊભો થયો છે.

આ પણ વાંચો : બિહારમાં મોટી દુર્ઘટના, ગંગા નદીમાં બોટ પલટી ખાઈ જતાં સાતથી વધુ બાળકો ડૂબી જવાની આશંકા

LMV લાઇસન્સ ધારક કેસ

લાઇટ મોટર વ્હીકલ (LMV) લાયસન્સ ધરાવનાર ડ્રાઇવરને 7,500 કિલો સુધીના વજનવાળા પરિવહન વાહન ચલાવવાનો અધિકાર છે કે, કેમ તે કાયદાકીય પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચ પોતાનો ચુકાદો આપશે. CJIની આગેવાની હેઠળની બેન્ચે 21 ઓગસ્ટે આ મુદ્દે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ મામલો પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

મદરેસા કાયદાની માન્યતાનો કેસ

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વવાળી 3 જજની ખંડપીઠે હાલમાં જ ઉત્તર પ્રદેશ મદરેસા અધિનિયમની મુદત સાથે જોડાયેલા મામલે પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજીઓ પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો, જેણે યુપી મદરસા એક્ટને ગેરબંધારણીય જાહેર કરીને તેને ફટકો આપ્યો હતો. બાળકોને સરકારી શાળામાં બેસાડવાના આદેશો અપાયા હતા.

મિલકત વિતરણ કેસ

મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની નવ જજની બંધારણીય બેંચ એ બંધારણીય પ્રશ્ન પર ચુકાદો આપશે કે શું સરકારને ખાનગી મિલકત હસ્તગત કરવાનો અને તેને ફરીથી વહેંચવાનો અધિકાર છે. બંધારણીય બેંચે કલમ 39(B)ની જોગવાઈઓ અંગે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ અનુચ્છેદમાં જાહેર હિતમાં મિલકતના પુનઃવિતરણ સાથે સંબંધિત છે.



Google NewsGoogle News