ફેટી લિવર બિમારીના કેસો વધતાં કેન્દ્રનું તમામ રાજ્યોને એલર્ટ, ગાઈડલાઈન જાહેર, જાણો કયા કારણોસર ફેલાઈ બિમારી
Fatty Liver Diseases : ભારતમાં ડાયાબિટીસની જેમ જ ફેટી લિવર બિમારીના કેસ ઝડપથી વધી રહ્યા છે. ફેટી લિવરના બે પ્રકારના હોય છે, જેમાં એક છે આલ્કોહોલિક ફેટી લિવર અને બીજું નોન-આલ્કોહોલિક ફેટી લિવર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવરના કેસ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માર્ગદર્શિકા જાહેર કરીને તમામ રાજ્યોને તેનું પાલન કરવા સૂચના આપી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે શું કહ્યું?
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચન્દ્રાએ કહ્યું કે, 'ફેટી લિવર બિમારીનો નોન કોમ્યુનિકેબલ ડિસીઝના નેશનલ પ્રોગ્રામમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગાઈડલાઈન હેઠળ તમામ ડોકટરો અને ફાર્માસિસ્ટને નોન-આલ્કોહોલિક ફેટી લિવર બિમારી વિશે તાલીમ આપવાની સૂચન આપવામાં આવી છે. દેશમાં લિવર સંબંધિત બિમારી વધી રહી છે, ત્યારે તેને કાબુમાં કરવાની જરૂર છે.'
દેશમાં 9 થી 32 ટકા લોકો નોન-આલ્કોહોલિક ફેટી લિવરથી પીડિત
ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, મોટાભાગે લિવરની બિમારી આલ્કોહોલિક લોકોમાં જોવા મળતી હોય છે. પરંતુ નોન-આલ્કોહોલિક લોકોમાં પણ આ બિમારીએ જોર પકડ્યું છે. તમામ રાજ્યો વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠકમાં સામેલ થયા બાદ આ ગાઈડલાઈન લાગુ કરવા વિનંતી કરવામાં આવી હતી. મિટિંગમાં ફેટી લિવરની બિમારી અંગે લોકોને જાગૃત કરવા સલાહ પણ આપવામાં આવી હતી. આ દરમિયાન આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, જે લોકો દારૂ નથી પીતા તેઓ પણ ફેટી લિવરથી પીડાય છે. દેશમાં 9 થી 32 ટકા લોકો નોન-આલ્કોહોલિક ફેટી લિવરથી પીડિત હોવાથી ચિંતાનો વિષય છે. આ ગાઈડલાઈનરોગને કંન્ટ્રોલ કરવામાં મદદ કરશે. નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગને જીવનશૈલીમાં બદલાવ દ્વારા કાબુમાં કરી શકાય છે.
આ પણ વાંચો : VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિર પાસે મોટી દુર્ઘટના, દિવાલ ધરાશાઈ થતાં બે શ્રદ્ધાળુના મોત
શું હોય છે ફેટી લિવર?
ખાવાની ખરાબ આદતોના કારણે લિવરમાં વધુ પડતી ચરબી જમા થાય છે, તેને ફેટી લિવર કહેવાય છે. અગાઉ આલ્કોહોલ પીનારા લોકોમાં ફેટી લિવરની બિમારી વધુ જોવા મળતી હતી, પરંતુ હવે જે લોકો દારૂ પીતા નથી, તેઓ પણ આ બિમારીનો ભોગ બની રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ છે, જંક ફૂડ ખાવું અને ખરાબ જીવનશૈલી છે. વધતી જતી સ્થૂળતા પણ ફેટી લિવરનું મુખ્ય કારણ છે. દેશમાં યુવાનોમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર બિમારી ઝડપથી વધી રહી છે.