'મારા દાદા દેશ માટે શહીદ થયા છે કૉંગ્રેસ માટે નહીં', લોકસભામાં સામસામે આવ્યા મંત્રી અને કૉંગ્રેસ નેતા

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
'મારા દાદા દેશ માટે શહીદ થયા છે કૉંગ્રેસ માટે નહીં', લોકસભામાં સામસામે આવ્યા મંત્રી અને કૉંગ્રેસ નેતા 1 - image


Charanjit Singh Channi Vs Ravneet Singh Bittu : લોકસભામાં પંજાબના પૂર્વ સીએમ અને જલંધર સાંસદ ચરણજીત સિંહ ચન્ની અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. સંસદમાં બજેટની ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ ચન્ની પર ગુસ્સે થયા હતા. લોકસભામાં ચન્ની સાથેની શાબ્દિક બોલચાલમાં બિટ્ટુએ કહ્યું કે, 'ચન્ની પંજાબનો સૌથી ભ્રષ્ટ માણસ છે અને આખા પંજાબમાં સૌથી અમીર વ્યક્તિ પણ ચન્ની છે. ચન્ની સૌથી ભ્રષ્ટ વ્યક્તિ ન હોય તો હું મારું નામ બદલી નાંખીશ.' સંસદમાં બન્ને નેતા વચ્ચેની ચર્ચા ઉગ્ર રૂપ ધારણ કરતાં બન્ને પક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા.

મારા દાદાએ કૉંગ્રેસ માટે નહીં, પરંતુ દેશ માટે કુરબાની આપી છે.

આજે (25 જુલાઈ) લોકસભામાં કેન્દ્રીય બજેટ ઉપર ચાલી રહેલી ચર્ચામાં ચન્નીએ બિટ્ટુના દાદા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાનો ઉલ્લખ કર્યો હતો. જેમાં કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા બિટ્ટુની ચન્ની સાથે મોટાપાયે શાબ્દિક બોલાચાલી થઈ હતી. જેમાં ચન્નીએ કહ્યું કે, 'બિટ્ટુ તમારા દાદા શહીદ થયા છે. તેઓ એ દિવસે નથી મર્યા, પરંતુ એ દિવસે મર્યા છે જે દિવસે તમે કૉંગ્રેસ પક્ષ છોડ્યો હતો.' ત્યારબાદ ગરમ થઈને બિટ્ટુએ કહ્યું કે, 'મારા દાદા બિઅંત સિંહે કૉંગ્રેસ માટે નહીં, પરંતુ દેશ માટે કુરબાની આપી છે.'

લોકસભામાં ભારે હોબાળો મચ્યો

બિટ્ટુએ કહ્યું કે, 'ચન્ની ગરીબ હોવાની વાતો કરે છે, પરંતુ તે પંજાબનો સૌથી અમીર વ્યક્તિ છે. જો ચન્ની પંજાબનો સૌથી અમીર વ્યક્તિ ના સાબિત થાય તો પોતાનું નામ બદલી નાખવાનો પડકાર કર્યો હતો. આ ચન્ની હજારો કરોડનો માલિક છે.' આ સાથે બિટ્ટુએ પૂછ્યું, 'ગોરો માણસ કોને કહે છે? પહેલાં તેણે કહેવું જોઈએ કે સોનિયા ગાંધી ક્યાંના છે.' બિટ્ટુના આ નિવેદન પછી ચન્નીએ બોલવાનું શરુ કર્યું તો સંસદમાં સત્તા પક્ષના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. સંસદમાં ચર્ચાએ ઉગ્ર રૂપ ધારણ કરતાં બન્ને પક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા.

અમૃતપાલ સિંહ વિશે ચન્નીએ શું કહ્યું?

ચન્નીએ કહ્યું કે, 'ભાજપના લોકો દેશમાં ઈમરજન્સીની વાત કરે છે, પરંતુ દેશમાં ચાલી રહેલી અઘોષિત ઈમરજન્સીનું શું? પંજાબમાં 20 લાખ લોકો દ્વારા સાંસદ તરીકે ચૂંટાયેલા વ્યક્તિને NSA હેઠળ જેલમાં ધકેલી દેવો એ એક પ્રકારની કટોકટી જ છે. આમ તેમણે પોતાના મત વિસ્તારના લોકોના પોતાના વિચારો પણ વ્યક્ત કરી શકતા નથી એ પણ કટોકટી છે.'

'મારા દાદા દેશ માટે શહીદ થયા છે કૉંગ્રેસ માટે નહીં', લોકસભામાં સામસામે આવ્યા મંત્રી અને કૉંગ્રેસ નેતા 2 - image


Google NewsGoogle News