'55 વર્ષના સંબંધોનો અંત...' લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસને ઝટકો, મિલિંદ દેવરાનું રાજીનામું
Milind Deora Resigns : લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા મિલિંદ દેવરા (Milind Deora)એ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, મિલિંદ દેવરા હવે એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ શકે છે.
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી
મિલિંદ દેવરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે 'આજે મારી રાજકીય કારકિર્દીનો એક મહત્ત્વનો અધ્યાય સમાપ્ત થયો છે. મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. પક્ષ સાથે મારા પરિવારનો 55 વર્ષ જૂનો સંબંધ ખતમ થઈ ગયો છે અને હું બધા નેતાઓ, સહકાર્યકરો અને કાર્યકરોનો વર્ષોથી તેમના અતૂટ સમર્થન માટે આભારી છું.'
હવે મિલિંદ દેવરા શિંદે જૂથમાં જોડાય તેવી શક્યતા
મિલિંદ દેવરાએ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધા બાદ હવે સૂત્રો દ્વારા દાવો કરાયો છે કે તેઓ આજે એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાઈ શકે છે. જો કે અગાઉ પણ એવી અટકળો હતી કે તેઓ કોંગ્રેસ છોડીને શિંદે સેનામાં જોડાઈ શકે છે, પરંતુ એક દિવસ પહેલા જ તેમણે આ અટકળોને ફગાવી દીધી હતી. મિલિંદ દેવરા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી દેવરાના પુત્ર છે અને દક્ષિણ મુંબઈ લોકસભા બેઠક પરથી તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે. મિલિંદ પણ રાહુલ ગાંધીની નજીક ગણાય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ નારાજ હતા અને તેમની નારાજગીનું કારણ લોકસભાની દક્ષિણ મુંબઈ બેઠક છે, જ્યાંથી તેઓ 2004 થી 2014 સુધી સાંસદ રહ્યા હતા.
#WATCH | On Milind Deora's resignation from Congress, Congress MP Jairam Ramesh says, "He (Murli Deora, father of Milind Deora) was a big leader of our party and he had a friendship with all parties but he was a stalwart Congressman. I remember him today." pic.twitter.com/TaaZQj0dt1
— ANI (@ANI) January 14, 2024
જયરામ રમેશે મુરલી દેવરાને યાદ કર્યા
જયરામ રમેશે મિલિંદ દેવરાનું નામ લિધા વગર જ તેમના પિતાને યાદ કરતા કહ્યું હતું કે ‘મને મુરલી દેવરાની સાથેનો મારો લાંબો સંબંધ યાદ આવી રહ્યો છે, તમામ રાજકીય પક્ષોમાં તેમના મિત્રો નજીકના મિત્રો હતા, પરંતુ તેઓ એક ચૂસ્ત કોંગ્રેસી હતા, જે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસ પાર્ટી સાથે ઉભા રહ્યા હતા.’
મિલિંદ દેવરાના રાજીનામાં પર મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષની પોસ્ટ
મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડે સોશિયલ મીડિયામાં મિલિંદ દેવરાને કહેતા પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તમે આ નિર્ણય લીધો છે, અંગત રીતે અને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે હું આજે દુ:ખી છું. દેવરા પરિવારનો કોંગ્રેસ સાથે લાંબો અને જુનો સંબંધ છે. અમે બધા તમને આ પગલું ન ભરવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ માટે પાર્ટી નેતૃત્વએ પણ તમારી સાથે વાત કરી હતી. અફસોસની વાત એ છે આજે પાર્ટી જ્યારે ઐતિહાસિક ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહી છે ત્યારે જ તમારા દ્વારા રાજીનામાની જાહેરાત કરવામાં આવી’.