દેવું ન ચૂકવ્યું તો દીકરાને બંધક બનાવ્યો, ફાઇનાન્સ કંપનીનો આતંક, પોલીસે 14 દિવસે મુક્ત કરાવ્યો

પોલીસે ફાયનાન્સ કંપનીના બ્રાન્ચ મેનેજર નિગમ યાદવની ધરપકડ કરી

કંપનીના અન્ય બે કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
દેવું ન ચૂકવ્યું તો દીકરાને બંધક બનાવ્યો, ફાઇનાન્સ કંપનીનો આતંક, પોલીસે 14 દિવસે મુક્ત કરાવ્યો 1 - image
Image : IANS

Jharkhand News : દેશમાં મોંઘવારી બેફામ વધી રહી છે, જેના પગલે અનેક લોકો નાણા વ્યાજ પર લેવા મજબૂર બન્યા છે. ફાયનાન્સ કંપનીઓ લોકોની મજબૂરીના ફાયદા ઉઠાવીને ઉંચા વ્યાજે નાણા આપતા હોય છે અને જો દેવું ન ચૂકવે તો તેને હેરાન પરેશાન કરાયાના અનેક કિસ્સાઓ પ્રકાશિત થયા છે. આવો જ એક કિસ્સો ઝારખંડમા બન્યો છે જેમા એક મહિલાએ દેવું ન ચૂકવતા તેના દીકરાને ફાયનાન્સ કંપનીએ બંધક બનાવી દીધો હતો. જો કે પોલીસે તેને મુક્ત કરાવ્યો હતો.

દેવુ ન ચૂકવતા પુત્રને બંધક બનાવી લીધો

ઝારખંડના ગઢવામાં એક માઇક્રો ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ સમયસર દેવુ ન ચૂકવતા મહિલાના 12 વર્ષના પુત્ર અનીશ કુમારને બંધક બનાવી લીધો હતો. જો કે આ અંગેની ફરિયાદ પોલીસને મળ્યા બાદ પોલીસે અનીશને 14 દિવસે મુક્ત કરાવ્યો હતો. આ સાથે પોલીસે ફાયનાન્સ કંપનીના બ્રાન્ચ મેનેજર નિગમ યાદવની ધરપકડ કરી હતી, જેને આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈને જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાતં કંપનીના અન્ય બે કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

મહિલાએ ફાયનાન્સ કંપની પાસેથી લોન લીધી હતી

આ કેસની વિગતો અનુસાર ગઢવાના ભવનાથપુર પોલીસ સ્ટેશન વિસ્તારની આશા દેવીએ બે વર્ષ પહેલા એક માઇક્રો ફાઇનાન્સ કંપની પાસેથી 40 હજાર રૂપિયાની લોન લીધી હતી. તેમાંથી તેણે 22 હજાર રૂપિયા જમા કરાવી દીધા હતા અને 18 હજાર રૂપિયા બાકી હતા. ફાયનાન્સ કંપનીના મેનેજર નિગમ યાદવ આશા દેવી પર બાકી રકમ ચૂકવવા માટે સતત દબાણ કરી રહ્યા હતા, પરંતુ પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે સમયસર બાકીના રૂપિયા ચૂકવી શકી ન હતી.

કર્મચારીઓ અનીશ પાસે નોકર જેવું કામ કરાવતા હતા

ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ બાકી રહેલા રૂપિયા માટે આશા દેવીને શોધવા માટે ઘરે આવ્યા હતા. જો કે તે ઘરે ન હતા અને ફક્ત અનીશ અને તેની મોટી બહેન જ ઘરે હતા. કર્મચારીઓએ તેની માતાને શોધવાના બહાને અનીશને કારમાં બેસાડીને એક અજાણી જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેને બંધક બનાવીને રાખવામાં આવ્યો હતો. કર્મચારીઓએ અનીશની માતાને બાકી રહેલા નાણાં પરત નહીં કરે ત્યાં સુધી પુત્ર કસ્ટડીમાં રહેશે તેવી ધમકી આપી હતી. આ કેસમાં એવી પણ વિગત છે કે અનીશ પાસે નોકર જેવું કામ કરવાવામાં આવતું હતું. 

પોલીસને ફરિયાદ મળતા જ અનીશને મુક્ત કરાવ્યો હતો

આ અંગેની ફરિયાદ મળતાં જ શહેરના SDPO સત્યેન્દ્ર નારાયણ સિંહે પોલીસ ટીમ બનાવી હતી અને અનીશને 14 દિવસ બાદ મુક્ત કરાવ્યો હતો. અનીશે જણાવ્યું હતું કે ફાયનાન્સ કંપનીનો કર્મચારી ઉમાશંકર તિવારી તેને મારતો હતો. આ ઉપરાંત તેને ધમકી પણ આપવામાં આવી હતી કે જો તેની માતા લોન નહીં ભરે તો તેની કીડની અને આંખો કાઢીને વહેંચી દેવામાં આવશે.

દેવું ન ચૂકવ્યું તો દીકરાને બંધક બનાવ્યો, ફાઇનાન્સ કંપનીનો આતંક, પોલીસે 14 દિવસે મુક્ત કરાવ્યો 2 - image


Google NewsGoogle News