2000 યુવાઓને મળશે રોજગારી! ગૃહ મંત્રાલયે CISFને બે નવી બટાલીયન ફાળવવા આપી મંજૂરી
Central Industrial Security Force: ગૃહ મંત્રાલયે એરપોર્ટ અને પરમાણુ પાવર પ્લાન્ટ જેવા મહત્વપૂર્ણ સ્થાપનોની રક્ષા કરતી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) માટે 2,000 થી વધુ કર્મચારીઓની બે નવી બટાલિયનને મંજૂરી આપી છે. નવી બટાલિયનની રચના સાથે દળની સંખ્યા લગભગ 2 લાખ સુધી પહોંચી જશે. આ નિર્ણયથી CISFની ક્ષમતામાં વધારો થશે જ, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા પણ વધુ મજબૂત બનશે.
2,000 થી વધુ યુવાનોને મળશે રોજગાર
CISFના એક પ્રવક્તાએ મંગળવારે આ અંગે જણાવ્યું હતું કે, 'ગૃહ મંત્રાલય (MHA) એ બે નવી બટાલિયનની રચના કરવા માટે મંજૂરી આપીને CISFના નોંધપાત્ર વિસ્તરણને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય હાલમાં જ મંજૂર કરાયેલ મહિલા બટાલિયન સાથે દળની ક્ષમતામાં વધારો કરશે. રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે અને 2,000 થી વધુ વ્યક્તિઓ માટે રોજગારની નવી તકો ઊભી કરશે. જેની સોમવારે મંજૂરી મળી ગઈ છે.
આ પણ વાંચો: સ્કૂલોમાં બોમ્બની ધમકી કેસમાં લિંકના આરોપો પર AAP આકરા પાણીએ, ભાજપને લીધું આડેહાથ
ગયા વર્ષે મહિલા બટાલિયનને મંજૂરી આપવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષના અંતમાં આ દળ માટે મહિલા બટાલિયનને મંજૂરી આપવામાં આવી હતી. હાલમાં આ દળમાં 12 રિઝર્વ બટાલિયન છે, જેમાં પ્રત્યેકમાં 1025 જવાનો છે. નવી બટાલિયન આંતરિક સુરક્ષા સંબંધિત તાત્કાલિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્રશિક્ષિત કર્મચારીઓનો એક સમૂહ બનાવીને CISF ની "વધતી" માંગણીઓને પૂર્ણ કરવામાં પણ મહત્વપૂર્ણ રહેશે. 1968 માં રચાયેલ CISF, દેશના 68 નાગરિક એરપોર્ટની સુરક્ષા ઉપરાંત પરમાણુ અને એરોસ્પેસ ક્ષેત્રના અનેક સ્થાપનો અને તાજમહેલ અને લાલ કિલ્લા જેવા ઐતિહાસિક સ્મારકોને આતંકવાદ વિરોધી સુરક્ષા પૂરી પાડે છે.