આધારકાર્ડના કારણે 4 વર્ષમાં 10.43 કરોડ ‘મનરેગા કામદારો’ના નામ ડિલીટ? કોંગ્રેસ સાંસદનો કેન્દ્રને સવાલ
Mgnrega Job Cards: કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે છેલ્લા ચાર વર્ષમાં 10.43 કરોડ લોકોના નામ મનરેગા કામદારોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. વેણુગોપાલે કેટલાક વર્ષોના આંકડા વિશે જણાવ્યું હતું કે, 2021-22માં 1.49 કરોડ કામદારોના નામ મનરેગાની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 2022-23માં આ સંખ્યા અઢી ગણી વધી હતી.
5.53 કરોડના જોબ કાર્ડ રદ થયા
કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર, 2022-23માં કુલ 5.53 કરોડ મનરેગા જોબ કાર્ડ રદ કરવામાં આવ્યા હતા. વર્ષો પછી આટલા મોટા પાયે નામો દૂર કરવા મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કરતાં વેણુગોપાલે કેન્દ્ર સરકારને કેટલાક આકરા પ્રશ્નો પૂછ્યા હતા કે, શું આમ થવા પાછળનું કારણ આધાર કાર્ડને મનરેગા કામદારો માટે ફરજિયાત કરવાનું છે?
પશ્ચિમ બંગાળમાં મનરેગા ફંડ બંધ
વેણુગોપાલ ઉપરાંત કોંગ્રેસના સાંસદ શશિકાંત સેંથિલ, ડીએમકેના સાંસદ ટી.આર. બાલુ અને કેટલાક નેતાઓએ મનરેગા માટે ફાળવવામાં આવેલા બજેટ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી પશ્ચિમ બંગાળ માટે મનરેગા ફંડ બંધ છે. સરકારે તેનો જવાબ આપ્યો હતો કે, ફંડ રોકવા પાછળનું કારણ અનિયમિતતા છે.
સરકારે મનરેગાની યાદીમાંથી નામ દૂર કરવા મુદ્દે આપ્યાં આ જવાબો
1. લોકસભામાં કેન્દ્ર સરકાર વતી, આ પ્રશ્નનો ઉત્તર કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી ચંદ્રા એસ. પેમ્માસાણીએ આપ્યો હતો કે, મનરેગાની યાદીમાંથી મોટી સંખ્યામાં કામદારોના નામો દૂર કરવાની પ્રક્રિયામાં કેન્દ્રની કોઈ ભૂમિકા નથી, તે રાજ્ય સરકારનો મુદ્દો છે.
2. કેન્દ્ર સરકારે એ દાવાને પણ ફગાવી દીધો છે કે મનરેગા હેઠળ કામ કરતાં લોકોને વેતન ચૂકવવા માટે આધાર ફરજિયાત બનાવવાને કારણે કરોડોના નામ દૂર કરાયા હોય.
3. સરકારે કહ્યું કે 5 વસ્તુઓના આધારે જોબ કાર્ડ એટલે કે વ્યક્તિનું નામ દૂર થઈ શકે છે. 1. નકલી કાર્ડ, 2. બનાવટી કાર્ડ, 3. લાભાર્થી એક પંચાયતમાંથી બીજી પંચાયતમાં જાય તો. 4. લાભાર્થીના મૃત્યુ પર, 5. જો લાભાર્થી કામ કરવા માંગતા ન હોય અથવા જ્યારે તેનો વિસ્તાર પંચાયતને બદલે શહેરી જાહેર કરવામાં આવે.
4. સરકારે કહ્યું કે આધારને મનરેગાના જોબ કાર્ડ સાથે લિંક કરવા પાછળનું કારણ પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવાનું હતું. તેનો હેતુ કોઈ અવરોધ ઊભો કરવાનો નહોતો.
5. મનરેગા હેઠળ ફાળવવામાં આવેલા બજેટમાં ઘટાડો કરવાના આરોપો પર, સરકારે કહ્યું કે તે માંગ આધારિત યોજના છે. જ્યારે રાજ્ય સરકારોએ આ સંદર્ભમાં તેમની માંગણીઓ રજૂ કરી ત્યારે જ કેન્દ્ર સરકારે બજેટ ફાળવણીમાં વધારો કર્યો હતો.