ચક્રવાતી તોફાન 'મિધીલી' અંગે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યો : પૂર્વના રાજ્યોમાં વર્ષા તોફાનની શક્યતા
- ત્રિપુરા અને તેને સ્પર્શતા બાંગ્લાદેશ ઉપર તોફાન ભારે દબાણમાં પલ્ટાઈ ગયું : ઓડીશા સુધી ભારે વર્ષા
કોલકત્તા : ચક્રવાતી તોફાન 'મિધીલી'ને લીધે દેશનાં પૂર્વનાં રાજ્યોમાં ખતરો ઉભો થઈ ગયો છે. મોસમ વિભાગ દ્વારા પૂર્વનાં કેટલાંયે રાજ્યોમાં એલર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલાંયે રાજ્યોમાં ભારે વર્ષાની પણ આગાહી કરવામાં આવી છે. ત્રિપુરા અને તેને સ્પર્શીને રહેલાં બાંગ્લાદેશ ઉપર તે ભારે દબાણમાં પલટાઈ ગયું છે. સંભાવના તેવી દર્શાવવામાં આવે છે કે, આજે રાત્રી સુધીમાં દક્ષિણ આસામ, મિઝોરમ અને ત્રિપુરા ઉપર તે તૂટી પડવાનું છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર ઉપર ભારે દબાણનું ક્ષેત્ર બન્યું હતું તે શુક્રવારે અચાનક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું, તેથી પશ્ચિમ બંગાળ અને ઓડીશા સહિત પૂર્વમાં અને પૂર્વોત્તરનાં ભારે વર્ષા થવાની સંભાવનાની ચેતવણી અપાઈ ગઈ હતી.
આ તોફાન ૧૭ નવેમ્બરની રાત્રીથી ૧૮ નવેમ્બરની સવાર સુધીમાં બાંગ્લાદેશનો તટ પાર કરી દેશે. તેથી શનિ-રવિ દરમિયાન, માછીમારોને સમુદ્રમાં ન જવા જણાવી દેવાયું છે. આ તોફાન 'મધિલી', થોડું નબળું પડી ત્રિપુરા અને બાંગ્લાદેશનાં મૈઝડીકોર્ટથી આશરે ૫૦ કી.મી. ઉત્તર-પૂર્વે અને અગરતલાથી ૬૦ કીમી દૂર દક્ષિણ પૂર્વમાં ભારે દબાણમાં બદલાઈ ગયું હતું.
આ ચક્રવાતી તોફાનને લીધે જેવું હવામાન શુક્રવારે રાત્રે જામ્યું હતું તેવું જ હવામાન શનિવારે પણ ચાલુ રહ્યું હતું. આથી પ્રશાસને લોકોને સાવધ રહેવા જણાવી દીધું હતું. મિઝોરમમાં સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફોર્સને એલર્ટ ઉપર મુકી દેવાયું છે. આઈએમડીએ ૧૭ થી ૧૮ તારીખ દરમિયાન બે ઈંચથી પણ વધુ વરસાદ થવાની આગાહી કરી જ દીધી હતી. ચક્રવાત સાથે પવનનું જોર વધવાની પણ આગાહી કરી દીધી હતી.