યુપીના લોકો ગરમીથી ત્રાસી ગયા, પ્રયાગરાજમાં પારો 47 નજીક, હજુ 3 દિવસ 'લૂ'ની રેડ એલર્ટ
ઉત્તર પ્રદેશમાં પાંચ દિવસમાં તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધવાની આશંકા
Weather News Updates | દક્ષિણ ભારતમાં ચાર દિવસ વહેલાં પ્રવેશેલું ચોમાસું ગુજરાત સુધી પહોંચી ગયું છે ત્યારે હજુ પણ ઉત્તર ભારત કાળઝાળ ગરમીથી દાઝી રહ્યું છે. હવામાન વિભાગે ફરી એક વખત ઉત્તર ભારતના અનેક પ્રદેશોમાં હીટવેવની ચેતવણી આપી છે. આવા સમયે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ફરી એક વખત પારો ૪૭ ડિગ્રી નજીક પહોંચી ગયો છે. હવામાન વિભાગે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ગરમી રહેશે.
ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં સાત સ્થળો પર તાપમાન ૪૫ ડિગ્રી અથવા તેનાથી વધુ રહ્યું હતું, જેમાં પ્રયાગરાજ ૪૬.૩ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. ત્યાર પછી વારાણસીમાં પણ તાપમાન ૪૫.૩ ડિગ્રી અને કાનપુર તથા હમીરપુરમાં ૪૫ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશને હજુ ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના જણાતી નથી. ઉત્તર પ્રદેશમાં હજુ કેટલાક દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. તેની સાથે જ રાજ્યમાં ૨૦થી ૩૦ કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાવાની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ પૂર્વીય ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થળો પર લૂની સ્થિતિ રહી શકે છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં લૂથી લીને તીવ્ર લી ચાલુ રહેવાની આશંકા છે. હવામાન વિભાગે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે.
હવામાન વિભાગે ઉમેર્યું કે, ૧૨થી ૧૪ જૂન સુધી રેડ એલર્ટ જાહેર કરાઈ છે. આ સમયમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. વધુમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ માટા પરિવર્તનની આશા નથી.
દરમિયાન દક્ષિણ અને પૂર્વના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ અસમ અને મેઘાલયમાં ૧૩થી ૧૫ જૂન વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આશંકા છે. પશ્ચિમ ભારતમાં કોંકણ અને ગોવામાં પણ અલગ અલગ સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતમાં પણ નવસારીમાં ચોમાસાએ આગન કર્યું હોવાનું હવામાન વિભાગે કહ્યું હતું.