ગુજરાત સહિત ઉ.ભારતમાં ભારે ગરમી, રાજસ્થાનમાં પારો 46 ડિગ્રીને પાર, પ.બંગાળમાં વીજળી પડતાં 11નાં મોત

Updated: May 17th, 2024


Google NewsGoogle News
ગુજરાત સહિત ઉ.ભારતમાં ભારે ગરમી, રાજસ્થાનમાં પારો 46 ડિગ્રીને પાર, પ.બંગાળમાં વીજળી પડતાં 11નાં મોત 1 - image


Weather news | દેશમાં ગુજરાત સહિત ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે રાજસ્થાનના ગંગાનગરમાં પારો ૪૬ ડિગ્રીને પાર થઈ ગયો હતો. હવામાન વિભાગ મુજબ રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પારો ૪૫ ડિગ્રીથી ઉપર રહ્યો હતો. બીજીબાજુ દિલ્હીમાં પણ તાપમાન ૪૨.૫ ડિગ્રી નોંધાતા રાજધાનીમાં આજનો દિવસ સિઝનનો સૌથી વધુ ગરમ રહ્યો હતો. આ સાથે હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં હીટવેવની એલર્ટ જાહેર કરી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લામાં વિવિધ જગ્યાએ વીજળી પડવાથી ૧૧ લોકોનાં મોત થયા હતા. વધુમાં હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી કરી છે તેમજ કેરળના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે.

દેશમાં ઉનાળાની મોસમમાં રાજસ્થાનમાં તિવ્ર ગરમીની સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગંગાનગર ઉપરાંત બારમેરમાં પણ તાપમાન ૪૬ ડિગ્રી નોંધાયું હતું જ્યારે જેસલમેરમાં ૪૫.૫ ડિગ્રી, ટોંક, પિલાની અને ઝાલોરમાં ૪૩.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય જોધપુર, સંગારિયા, ધોલપુર, કોટા અને જયપુરમાં તાપમાન ૪૪ ડિગ્રીને પાર રહ્યું હતું.

દેશની રાજધાની દિલ્હીમાં પણ ગરમી વધી રહી છે. અહીં તાપમાન ૪૨ ડિગ્રીને પાર થઈ ગયું છે. આ સાથે દિલ્હીવાસીઓ માટે ગુરુવાર આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. વધુમાં રાજધાનીમાં ટૂંક સમયમાં જ તાપમાન ૪૫ ડિગ્રીને વટાવી જશે. આ સાથે દિલ્હીવાસીઓને આ સિઝનમાં પહેલી વખત લૂનો અનુભવ થશે. હવામાન વિભાગ મુજબ આગામી ચાર-પાંચ દિવસ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી સહિત ઉત્તર ભારત અને બિહારમાં હીટવેવની સંભાવના છે. 

દરમિયાન પશ્ચિમ બંગાળના માલ્દામાં વીજળી પડવાથી ૧૧ લોકોનાં મોત નીપજ્યાં છે. જિલ્લા વહીવટી તંત્રે મૃતકોના પ્રત્યેક પરિવારોને બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, વીજળી પડવાના કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. મૃતકોમાં બે મહિલા અને બે સગીરોનો પણ સમાવેશ થાય છે.

હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં આગામી કેટલાક દિવસોમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે ત્યારે દક્ષિણ ભારતમાં ૨૨ મે સુધી વરસાદ ચાલુ રહેવાની ભવિષ્યવાણી કરી છે. આગામી સાત દિવસ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, લક્ષદ્વિપ અને દક્ષિણ કર્ણાટકમાં તોફાન, વીજળી અને તિવ્ર ગતિએ પવન ફુંકાવાની સાથે વ્યાપક વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, પ્રદેશમાં તિવ્ર ગતિએ પશ્ચિમી અને દક્ષિણી પવન ફુંકાવાના કારણે અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે કેરળના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જ્યારે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટની જાહેરાત કરી છે.

કાંદા તથા દ્રાક્ષની ખેતીને પણ ભારે નુકસાન 

નાસિકમાં કમોસમી વરસાદમાં સેંકડો ક્વિન્ટલ કાંદા ભીંજાયા

- નિકાસ બંધી હટી પણ 40 ટકા ડયૂટીને લીધે ખેડૂતો અને વેપારીઓ નારાજ

મુંબઇ : નાસિક જિલ્લામાં છેલ્લાં બે દિવસ દરમિયાન ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે કાંદા અને દ્રાક્ષ સહિત ખેતીના પાકને ભારે નુકસાન થયું હતું.

યેવલેમાં વરસાદને લીધે ખુલ્લામાં રાખવામાં આવેલા સેંકડો ક્વિન્ટલ કાંદા ભીંજાઈ ગયા હતા. આને લીધે કાંદા ઉત્પાદક ખેડૂતોએ નુકસાન ભોગવવું પડયું હતું. ખેડૂતોએ આ નુકસાનનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને અપીલ કરી છે.

નાશિક જિલ્લાની ગણના દેશમાં સૌથી વધુ કાંદા ઉત્પાદક ક્ષેત્ર તરીકે થાય છે. એટલે જ લોકસભાની ચૂંટણી વખતે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. જેથી ખેડૂતો અને વેપારીઓના રોષનો સામનો ન કરવો પડે.

જોકે સરકારે કાંદાનો નિકાસ પ્રતિબંધ ઉઠાવ્યો, પરંતુ ૪૦ ટકા જેટલી ઊંચી એક્સપોર્ટ ડયુટી લાદી તેને કારણે ખેડૂતો, વેપારીઓ અને નિકાસકારો નારાજ છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નાશિક જિલ્લાના પિંપળગાંવ-બસપંતમાં જાહેરસભા યોજાઈ હતી એ વખતે કાંદા ઉત્પાદક ખેડૂતો પોતાની વ્યથા પીએમને જણાવવા માટે ગળામાં કાંદાના મોટા હાર પહેરીને નીકળ્યા હતા, પરંતુ તેઓ વડા પ્રધાન સુધી પહોંચે એ પહેલાં જ પોલીસે તેમનું અધવચ્ચે અટકાયત કરી હતી.


Google NewsGoogle News