Get The App

ભારતમાં મહિલાઓ કરતાં પુરુષોની સ્થિતિ ચિંતાજનક, એક વર્ષમાં 1.22 લાખ આત્મહત્યા

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
ભારતમાં મહિલાઓ કરતાં પુરુષોની સ્થિતિ ચિંતાજનક, એક વર્ષમાં 1.22 લાખ આત્મહત્યા 1 - image


Men Committed More Suicide Than Women : બેંગલુરની એક કંપનીના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એન્જિનિયર અતુલ સુભાષ મોદીએ આત્મહત્યા કરી છે. તેણે આત્મહત્યા કરતાં પહેલા લગભગ 1.20 કલાકનો વીડિયો પણ પોષ્ટ કર્યો છે. આ ઉપરાંત 23 પેજની સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે મોત પાછળ પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને જવાબદાર ઠેરવ્યા છે. જોકે આત્મહત્યા જેવું પગલું ભરનાર સુભાષ એકલા નથી. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને નેશનલ ક્રાઇમ રૅકોર્ડ બ્યુરો(NCRB)ના ડેટા મુજબ મહિલાઓ કરતાં પુરુષો સૌથી વધુ આત્મહત્યા કરે છે. ડબલ્યુએચઓના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં દર વર્ષે સાત લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે, જ્યારે ભારતમાં આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે.

મહિલાઓ કરતાં પુરુષો વધુ આત્મહત્યા કરે છે

એનસીઆરબીના ડેટા મુજબ આત્મહત્યા કરનાર મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા વધુ છે. બે દાયકાના આંકડા દર્શાવી રહ્યા છે કે, ભારતમાં સ્યુસાઇડ કરનાર 10માંથી 6 અથવા 7 પુરુષો હોય છે. વર્ષ 2001 અને 2022 દરમિયાન આત્મહત્યા કરનાર મહિલાઓની સંખ્યા 40થી 48 હજાર નોંધાઈ છે, જ્યારે આ દરમિયાન જીવન ટૂંકાવનારા પુરુષોની સંખ્યા 66 હજારથી વધીને એક લાખને પાર પહોંચી ગઈ છે.

ભારતમાં મહિલાઓ કરતાં પુરુષોની સ્થિતિ ચિંતાજનક, એક વર્ષમાં 1.22 લાખ આત્મહત્યા 2 - image

2022માં 1.22 લાખથી વધુ પુરુષે આત્મહત્યા કરી

2022માં 1.70 લાખથી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં 1.22 લાખથી વધુ પુરુષો હતા. એટલે કે દૈનિક સરેરાશ 336 પુરુષ જીવન ટૂંકાવી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં પણ આવી જ સ્થિતિ છે. ડબલ્યુએચઓના ડેટા મુજબ વિશ્વભરમાં એક લાખ આત્મહત્યામાંથી પુરુષોનો દર 12.6 અને મહિલાઓનો દર 5.3 છે. આ જોતા એવું કહી શકાય કે, વિશ્વભરમાં મહિલાઓ કરતાં વધુ પુરુષ પીડાઈ રહ્યો છે.

કેટલી ઉંમરના પુરુષોએ સૌથી વધુ આત્મહત્યા કરી

એનસીઆરબીના 2022ના રિપોર્ટ મુજબ, સૌથી વધુ 30થી 45ની ઉંમરના, ત્યારબાદ 18થી 30 અને પછી 45થી 60ની ઉંમરનાઓ આત્મહત્યા કરે છે. ગત વર્ષે 30થી 45ની ઉંમરના 54351 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં 77 ટકા પુરુષો હતા. આવી જ રીતે આત્મહત્યા કરનારા 18થી 30 વર્ષના 59108 લોકોમાંથી 65 ટકા પુરુષો હતા. તેમજ 45થી 60 વર્ષના આત્મહત્યા કરનારાઓમાં 31921 લોકોમાંથી 82 ટકા પુરુષો હતા.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ: પૃથ્વી પરના સૌથી ઊંચા ભાગો પર છે 'પર્વત' જેટલો મોટો ખતરો

આત્મહત્યા કરનારા મોટાભાગના લોકો પરિણીત

રિપોર્ટ મુજબ આત્મહત્યા કરનારા મોટાભાગના લોકો પરિણીત છે. 2022માં 1,14,485 પરિણીત લોકોએ આત્મહત્યા કરી હતી, આમાંથી લગભગ 74 ટકા પુરુષો હતા. 2022માં 8164 પરિણીત લોકોએ લગ્ન સંબંધી સમસ્યાના કારણે આત્મહત્યા કરી હતી. આમાંથી 52 ટકા પુરુષો હતા.

આ પણ વાંચો : 2024માં ગૂગલ પર ભારતીયોએ સૌથી વધુ IPL સર્ચ કર્યું, ફિલ્મોમાં 'સ્ત્રી-2' ટોચે, જુઓ યાદી


Google NewsGoogle News