‘મારી તબિયત સારી નથી, જામીન આપો’ PNB સાથે કૌભાંડ કરનાર ભાગેડુની દલીલ, બેલ્જિયમ કોર્ટે જામીન અરજી ફગાવી
Mehul Choksi PNB Loan Fraud Case : દેશની સરકારી બેન્કમાં 13500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ફરાર મેહુલ ચોક્સીની થોડા દિવસ પહેલા બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી અને ભાગેડુને બેલ્જિયમની કોર્ટે ઝટકો આપી જામીન અરજી ફગાવી દીધી છે. ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે ચોક્સની જામીન અરજી પર વિસ્તારથી દલીલો સાંભળી હતી, ત્યારબાદ કોર્ટે ચોક્સીની જામીન અરજી રદ કરી દીધી છે.
‘મારી તબિયત સારી નથી, તેથી મને જામીન મળવા જોઈએ’
મેહુલ ચોકસીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, ‘મારી તબિયત સારી નથી, તેથી મને જામીન મળવા જોઈએ. હું મારા પરિવાર સાથે રહેવા માંગું છું. હું કોર્ટની કોઈપણ શરત સ્વીકારવા તૈયાર છું. હું GPS ટ્રેકિંગ વાળું એન્કલેટ પહેરવા પણ તૈયાર છું.’ જોકે, કોર્ટે મેહુલની દલીલો સ્વીકારી ન હતી અને જામીન અરજી ફગાવી દીધી હતી.
મેહુલ ચોક્સી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાની ફિરાકમાં હતો
આ પહેલા મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી. હીરાના વેપારી મેહુલ ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદી પર સરકારી બૅન્ક પંજાબ નેશનલ બૅન્કમાંથી લગભગ 13500 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. મેહુલ ચોક્સીની આ ધરપકડથી આશંકા સેવાઈ રહી છે કે, તેનું ઝડપથી ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે. મેહુલ ચોક્સી પોતાની બીમારીની સારવાર માટે સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાની ફિરાકમાં હતો. તે સમયે બેલ્જિયમ પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓનો પર્યટકો પર ભયાનક હુમલો, આડેધડ ગોળીબાર, અનેકના મોત
ભારતે પ્રત્યાર્પણની માંગ કરતા ચોક્સીની ધરપકડ થઈ
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય એજન્સીઓ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઇએ બેલ્જિયમથી ઉદ્યોગપતિ મેહુલ ચોકસીના પ્રત્યાર્પણની માગ કરતાં આ ધરપકડ થઈ હોવાનું બેલ્જિયમ ઑથોરિટીએ જણાવ્યું છે. 2018ની શરુઆતમાં, પંજાબ નેશનલ બૅન્કમાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં હીરા વેપારી નીરવ મોદી ઉપરાંત, તેની પત્ની આઈમી, તેનો ભાઈ નિશાલ અને કાકા મેહુલ ચોકસી મુખ્ય આરોપી છે.
મેહુલ ચોક્સી પાસે બેલ્જિયમનું F રેસિડેન્સ કાર્ડ
ભારતની બેલ્જિયમ સાથે પ્રત્યાર્પણ સંધિ છે. કેરેબિયન ક્ષેત્રમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો થયો હતો કે, મેહુલ ચોક્સી બેલ્જિયમમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "મેહુલ ચોક્સી હાલમાં તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમના એન્ટવર્પમાં રહે છે. તેણે દેશનું F રેસિડેન્સી કાર્ડ મેળવી લીધું છે." આ અહેવાલ માર્ચ 2025માં પ્રકાશિત થયો હતો. જેમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે બેલ્જિયમના ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની અપીલ કરી છે. જોકે, ભારતીય અધિકારીઓ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.