મહેસાણામાં 16થી 22 ફેબ્રુઆરી વાળીનાથ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જુઓ કયા માર્ગમાં કરાયા ફેરફાર
22 ફેબ્રુઆરીએ તરભ વાળીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે
કાયદો-વ્યવસ્થાને ધ્યાને રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું
મહેસાણા (Mehsana)ના વિસનગર-ઊંઝા રોડ ઉપર તરભ વાળીનાથ મહાદેવ મંદિરે તા.16થી તા.22 ફેબ્રુઆરી દરમિયાન શ્રી વાળીનાથ મહાદેવનો પ્રાણ-પ્રતિષ્ઠા (Tarabh Valinath Mahadev Mandir Pran Pratishtha) કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ ઉપસ્થિત રહેવાની સંભાવના છે. આ ઉપરાંત કાર્યક્રમમાં 50 લાખ જેટલી જનમેદની આવવાની હોઈ કેટલાક માર્ગોને ડાયવર્ઝન આપવાનો નિર્ણય કરાયો છે. કાર્યક્રમને લઈ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી મહેસાણા પોલીસ અધિક્ષક દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અંગે કરાયેલી દરખાસ્તને મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.પી.સાવલીયાએ મંજૂરી આપી જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે.
એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ સહિત કેટલાક વાહનો જાહેરનામામાંથી બાકાત
જાહેરનામા મુજબ તા.16થી તા.22 ફેબ્રુઆરી સુધી તરભ ખાતેથી પસાર થતા, સ્ટેટ હાઈવે નં.130 ઉ૫૨થી પસાર થતા તેમજ વિસનગર તરફથી અને ઊંઝાથી વિસનગર તરફ આવતા મોટા ભારે વાહનો તેમજ રૂટિન વાહનોનું ડાયવર્ઝન (Road Diversion) કરાશે. જાહેરનામું તા.16થી તા.22 ફેબ્રુઆરી સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. કાર્યક્રમમાં ફરજ પર રોકાયેલ વાહનો, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ, પેસેન્જર બસ તથા વાળીનાથ તરફ આવતી યાત્રાળુ સ્પેશ્યલ બસ તેમજ યાત્રાળુઓ માટેના વાહનોને લાગુ પડશે નહી. આ પ્રતિબંધિત જાહેરનામાનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ સામે કાર્યવાહી કરાશે.
આ માર્ગો પર ડાયવર્ઝન
- વિસનગરથી ઉંઝા સિધ્ધપુર તરફ જતા વાહનો વિસનગર મહેસાણા ચોકડી-મહેસાણા થઈને ઉંઝા તરફ
- ઉંઝા તરફથી વિસનગર આવતા વાહનો ઉંઝા-મહેસાણા થઈને વિસનગર તરફ જવું.
- ભાડુથી વિસનગર તરફ આવતા વાહનો મહેસાણા થઈને વિસનગર તરફ જવુ.
- ભાન્ડુથી વાલમ થઈ વિસનગર જતા વાહનોએ ભાડુથી મહેસાણા થઈને વિસનગર તરફ જવું.
- ઐઠોર ચોકડીથી રેલ્વેપુરા છાપરાં બ્રીજના છેડા સુધી જ વાહનો જશે.
- વિસનગરથી તરભ વાળીનાથ જતા યાત્રાળુઓના વાહનો ખંડોસણ પાર્કીંગવાળી જગ્યા સુધી જઈ શકશે.
- ઉંઝા તરફથી તરભ વાળીનાથ જતા યાત્રાળુઓના વાહનો અરણીપુરા ચોકડી GIDC પાર્કીંગવાળી જગ્યા સુધી જઈ શકશે.