વીડિયો રેકોર્ડિંગ મુદ્દે ડોક્ટરો અડગ રહેતા મમતા સાથે મીટિંગ જ ન થઈ

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
વીડિયો રેકોર્ડિંગ મુદ્દે ડોક્ટરો અડગ રહેતા મમતા સાથે મીટિંગ  જ ન થઈ 1 - image


- તમે આ રીતે મારું અપમાન ન કરી શકો : મમતા

- આંદોલનકારીઓને જવાનું કહી દેવાતા સરકાર મંત્રણા અંગે ગંભીર ન હોવાનો આરોપ

કોલકાતા : સીએમ મમતા બેનરજી અને દેખાવ કરી રહેલા ટ્રેઇની ડોક્ટરોની મીટિંગ આજે ફરીથી ન થઈ શકી. ટ્રેઇની ડોક્ટરો મીટિંગના લાઇવ સ્ટ્રીમિંગ અને વિડીયો રેકોર્ડિંગની શરત પર અડી ગયા. મમતાએ તેના પર તેમને સમજાવ્યા, પરંતુ તેમનો આ પ્રયત્ન નિષ્ફળ ગયો. છેવટે દેખાવ કરી રહેલા ટ્રેઇની ડોક્ટરો સીએમ આવાસના ગેટથી જ પરત ફર્યા. 

મમતા બેનરજીએ શનિવારે આરજી કર હોસ્પિટલ કેસને લઈને વિરોધ કરતાં ડોક્ટરો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તમે મને થોડો સમય આપો. તમે વરસતા વરસાદમાં દેખાવ કરી રહ્યા છો અને હું સૂઈ શકતી નથી. હું તમારા વિરોધને સલામ કરું છું. હું પણ વિદ્યાર્થી નેતા હતી. કાલે રાત્રે બહુ વરસાદ થયો, તમે સૂઈ ન શક્યા અને ના હું. આ ૩૩ દિવસથી ચાલું છે. 

આંદોલન કરી રહેલા ડોક્ટરોએ શનિવારે પશ્ચિમ બંગાળ સરકારને ઇ-મેઇલ મોકલીને બેઠક બોલાવવાની માંગ કરી હતી. તેના પછી મમતા સરકાર તરફથી છ વાગ્યાની બેઠકનો સમય આપવામાં આવ્યો હતો. તેના પછી જુનિયર ડોક્ટરોનો સમૂહ બેઠક માટે સીએમ આવાસ પર પહોંચ્યો હતો, પણ લાઇવ સ્ટ્રીમિંગના મુદ્દે બેઠક શરૂ થઈ ન શકી. ડોક્ટરો બેઠકનું લાઇવ સ્ટ્રીમિંગ કરવા ઇચ્છતા હતા. જ્યારે મમતા બેનરજીએ જણાવ્યું હતું કે કેસ કોર્ટમાં હોવાથી લાઇવ સ્ટ્રીમિંગ ન થઈ શકે. મમતાએ ડોક્ટરોને મનાવવાનો પ્રયત્ન કરતાં જણાવ્યું હતું કે અમે કેટલાય દિવસોથી મડાગાંઠ ઉકેલવા પ્રયત્ન કરી રહ્યા છીએ, મહેરબાની કરીને વાત કરો. ડોક્ટરો જ્યારે પોતાની માંગ પર અડગ રહ્યા તો મમતા બેનરજીએ જણાવ્યું હતું કે તમે આ રીતે મારું અપમાન ન કરી શકો. 

આ બેઠક નિષ્ફળ ગયા પછી હવે ડોક્ટરોને ત્યાંથી જવા કહી દેવાયું છે. આંદોલન કરી રહેલા ડોક્ટરે જતાં પહેલાં જણાવ્યું હતું કે તેઓ મમતા બેનરજીની વિનંતી પર લાઇવ સ્ટ્રીમિંગ વગર બેઠક માટે સંમત થયા હતા. અમે આવ્યા હતા ત્યારે અમે લાઇવ સ્ટ્રીમિંગની માંગ કરી હતી, પરંતુ અમને મંજૂરી મળી ન હતી. તેના પછી સીએમ આવ્યા અને મંત્રણા કરવા જણાવ્યું અને ખાતરી આપી કે અમને મીટિંગની મિનિટ્સ મળશે. અમે ચર્ચા કરી લાઇવ સ્ટ્રીમિંગ કે રેકોર્ડિંગ વગર બેઠકની સમતિ દાખવી. અમને હવે કહી દેવાયું છે કે આમા હવે તમે બહુ મોડા પડયા છે અને તેઓ ત્રણ કલાકથી રાહ જોતાં હતા. અમને બધાને હવે જવાનું કહી દેવાયું છે.આ જોતાં લાગે છે કે સરકાર આ મુદ્દે ગંભીર નથી.


Google NewsGoogle News