આંદોલનકારી ખેડૂતો અને કેન્દ્ર સરકારની બેઠક નિષ્ફળ, હવે 22 ફેબ્રુઆરીએ યોજાશે આગામી બેઠક
Farmers Protest : આશરે છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે (14 ફેબ્રુઆરી) ચંડીગઢમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. જોકે, આ બેઠક નિષ્ફળ જતા આગામી બેઠક 22 ફેબ્રુઆરીએ યોજાશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના નેતૃત્વમાં કેન્દ્રીય અધિકારીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે યોજાયલી આ બેઠકમાં એમએસપી સહિત અન્ય વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.
ચંડીગઢ કે દિલ્હીમાં થશે આગામી બેઠક
બેઠક નિષ્ફળ જતા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે કહ્યું કે, ‘અમે કેન્દ્રના અધિકારીઓ સાથે વધુ એક બેઠક કરીશું. આગામી બેઠકમાં કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ અને અન્ય બે કેન્દ્રીય મંત્રી પણ હાજરી આપશે. આ બેઠક ચંડીગઢ કે દિલ્હીમાં યોજાઇ શકે છે. આ અંગે અમે એક-બે દિવસમાં જાહેરાત કરીશું.’
પ્રહલાદ જોશી શું બોલ્યા?
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ખેડૂતો સાથે બેઠક બાદ કહ્યું કે, ‘આજે તમામ મુદ્દાઓ પર વાતચીત થઇ. અમે શાંતિપૂર્વક ખેડૂતોની માગો સાંભળી છે. હવે 22 ફેબ્રુઆરીએ શિવરાજ ચૌહાણના નેતૃત્વમાં આગામી બેઠક યોજાશે.’
MSP પર થઇ ચર્ચા
બેઠકમાં મુખ્યત્વે પાક પર ન્યૂનતમ સમર્થન કિંમત (MSP) ની કાયદાકીય ગેરંટી પર ચર્ચા થઇ હતી. આ બેઠક છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન પછી આયોજીત થઇ હતી. બેઠકમાં ખેડૂતો તરફથી 28 સભ્યોના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો.
શું છે ખેડૂતોની માગ?
ખેડૂતો છેલ્લા એક વર્ષથી દિલ્હી તરફ કૂચ કરવા માગે છે, પરંતુ તેમને રાજધાનીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી. જે પછી તેઓ ખન્નોરી બોર્ડર પર પ્રદર્શન કરવા લાગ્યા હતા. ખેડૂતો મુખ્યત્વે એમએસપી માટે કાયદાકીય ગેરેંટી તેમજ ખેડૂતોનું દેવું માફ કરવા, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, વીજળીના દરોમાં વધારા પર નિયંત્રણ, પોલીસ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદો પરત ખેંચવી અને 2021ના લખીમપુર ખીરી હિંસાના પીડિતો માટે ન્યાયની માગ કરી રહ્યા છે.