સભાપતિને મળો અને માફી માગો : સુપ્રીમ કોર્ટે આપના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને કહ્યું
- ચઢ્ઢાને મોન્સૂન સત્ર દરમિયાન ઓગસ્ટમાં સદનમાંથી નિલંબિત કરાતાં, તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા : ન્યાય મૂર્તિઓએ ચઢ્ઢાને આ સલાહ આપી
નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને સુપ્રીમ કોર્ટે સદનના અધ્યક્ષ (સભાપતિ)ને મળી તેમની માફી માગવાની સલાહ આપી છે. આપના એ સાંસદને રાજ્ય સભાનાં સભાપતિએ સંસદનાં મોન્સૂન સત્ર દરમિયાન ઓગસ્ટ મહિનામાં સદનમાંથી નિલંબિત કર્યા હતા. તે સામે રાઘવ-ચઢ્ઢાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવતાં આજે (શુક્રવારે) યોજાયેલી સુનાવણી પછી સર્વોચ્ચ અદાલતે ચઢ્ઢાને સલાહ આપી હતી કે તમે સભાપતિને મળો અને તેમની માફી માગો.
ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચઅદાલતે રાજ્યસભાના સભાપતિને સીધો જ હુક્મ કર્યો ન હતો કે રાઘવ ચઢ્ઢાને ફરી ગૃહમાં બેસવા દો.
શુક્રવારે સર્વોચ્ચ ન્યાયાલયમાં રાઘવ ચઢ્ઢા વતી રજૂઆત કરતા તેમના વકીલોએ કહ્યું હતું કે સાંસદનો હેતુ કોઈપણ રીતે સદનની ગરીમાને ઠેસ પહોંચાડવાનો ન હતો. આ સાથે ચઢ્ઢાના વકીલોએ કહ્યું હતું કે ચઢ્ઢા રાજ્યસભાના ચેરમેનને મળવા માટે સમય માગશે જ અને કોઈ પણ શર્ત વીના માફી પણ માગશે.
આપ સાંસદે તેમનાં નિલંબન સામે સુપ્રીમ કોર્ટે ગયા હતા તેથી તે કેસની સોમવારે પણ સુનાવણી થઇ હતી, ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું હતું કે આપણે તે અવાજો સંસદની બહાર ન જાય (સંસદની વાત સંસદમાં જ રહે) તે માટે ઘણા સાવધાન રહેવું પડે.
આ સાથે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડની સાથે રહેલા ન્યાયમૂર્તિઓ જે.બી.પારડીવાળા અને મનોજ મિશ્રા પણ બેન્ચમાં ઉપસ્થિત હતા.
સુનાવણી દરમિયાન અદાલતે એટર્ની જનરલ આર.વેંકટ રમણને પૂછ્યું કે જો, સાંસદ માફી માગી લે તો શું તેનું નિલંબીત રદ થઇ શકે ? અમારે તે અંગે વધુ સુનાવણી હાથધરવી પડશે. તેમ પણ તે ન્યાયમૂર્તિએ સોમવારે કહ્યું હતું.
અદાલતનું કહેવું હતું કે સાંસદનું નિલંબન માત્ર એક સત્રપૂરતું જ હોઈ શકે.
ટૂંકમાં સર્વોચ્ચ અદાલતે રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના સભાપતિને મળી માફી માગવા જણાવ્યું.