VIDEO : નોટોનો હાર ચોર્યો તો વરરાજા બન્યો 'સુપરમેન', ચાલતી ગાડી પર લટકી ચોરને પકડ્યો
UP Meerut Viral Video: ઉત્તર પ્રદેશના મેરઠમાં વરરાજાનો ચોરને પકડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ચોર વરરાજાના ગળામાંથી નોટોનો હાર ચોરી કરીને ભાગી રહ્યો હતો. જેને જીવના જોખમે પકડી પાડતો વીડિયો વાયરલ થયો છે. જો કે, ચોર ઉર્ફ ટેમ્પો ડ્રાઈવરે કંઈક અલગ જ વાર્તા કહેતાં જણાવ્યું હતું કે, મારી ગાડી વરરાજાની ગાડીને સહેજ અડી જતાં તેણે મારી ધોલાઈ કરી હતી.
વાયરલ વીડિયો અનુસાર, વરરાજા ચાલુ ટેમ્પો ગાડીમાં લટકીને ચોરને ગાડી રોકવા કહી રહ્યો હોય છે, જો કે ડ્રાઈવરે ગાડી ન રોકતાં વરરાજા ગાડીની અંદર ઘૂસી જાય છે. અને ડ્રાઈવરને માર મારી ગાડી રોકવા કહે છે. બાદમાં ડ્રાઈવરને નીચે ઉતારી માર મારતો જોવા મળે છે. પાછળથી તેના મિત્રો પણ આવી ડ્રાઈવરને માર મારી રહ્યા હોય છે.
શું હતો મામલો?
મળેલી માહિતી અનુસાર, વરરાજાનો વરઘોડો નીકળી રહ્યો હોય છે, ત્યારે અચાનક એક વ્યક્તિ દોડતો આવીને વરરાજાએ પહેરેલો પૈસાના હારમાંથી એક નોટ ખેંચી ભાગવા લાગે છે. જેથી વરરાજા ગુસ્સે થઈ જાય છે અને તે વ્યક્તિની પાછળ દોટ મૂકે છે. વ્યક્તિ થોડે દૂર થઈ ટેમ્પો ગાડીમાં બેસી ભાગી રહ્યો હોય છે, ત્યારે વરરાજા ટેમ્પો ગાડીમાં લટકી જાય છે અને સુપરમેનની જેમ ચોરની ગાડી રોકાવી તેને માર મારે છે. વરરાજાના મિત્રો અને પરિવારજનો પણ તેની પાછળ પાછળ આવી રહ્યા હોય છે, તેઓ પણ ચોરની ધોલાઈ કરતાં જોવા મળ્યા છે.
ડ્રાઈવરે શું કહ્યું?
ટેમ્પો ગાડીમાં ટ્રાન્સપોર્ટ કંપનીનો લોગો જોઈ તેનો સંપર્ક સાધતા તેના સંચાલક મનિષ સહગલે જણાવ્યું કે, શનિવારે મારો ડ્રાઈવર જગપાલ ટેમ્પો ગાડી લઈ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તા પર જઈ રહેલા વરઘોડામાં વરરાજા રસ્તા પર ઉભો હતો. વરરાજાએ આરોપ મૂક્યો હતો કે, ટેમ્પો ગાડી તેને અડી ગઈ છે, જો કે ડ્રાઈવરને આ અંગે જાણ પણ ન હતી. વરરાજાએ આટલી નજીવી વાત પર ડ્રાઈવરનો પીછો કર્યો અને માર માર્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરી છે.