યુપી ચૂંટણીઃ પોલીસે બંદૂકની અણીએ મતદારોને ધમકાવ્યા, અખિલેશે શેર કરેલો વીડિયો અધૂરો હોવાનો દાવો
UP Bypolls: ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણી દરમિયાન અનેક વિસ્તારોમાં પથ્થરમારો, ચૂંટણીમાં ગેરરીતિના બનાવો બન્યા છે. જેમાં સપાના નેતા અને સાંસદ અખિલેશ યાદવે ટ્વિટર પર એક વીડિયો રજૂ કરી મતદારોને બંદૂકની અણીએ મત આપતાં અટકાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે. જેના એસએચઓને તાત્કાલિક બરખાસ્ત કરવાની માગ પણ કરી છે.
વીડિયોમાં શુ દર્શાવાયું?
અખિલેશ યાદવ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં મુઝફ્ફરનગરના મીરાપુરના કકરોલી પોલીસ સ્ટેશનના એસએચઓ બંદૂકની અણીએ મતદારોને ઘરે જતાં રહેવાની ધમકી આપતાં જોવા મળ્યા છે. મહિલાઓ મત આપવા જવાનું કહી પોલીસનો વિરોધ કરી રહી છે. જો કે, એસએચઓ લેડીઝને ગોળી મારવાનો આદેશ છે, તેમ કહી ગોળી મારી દેવાની ધમકી આપતાં જોવા મળ્યા છે. આ વીડિયો થોડી જ ક્ષણોમાં વાયરલ થયો હતો અને લોકોએ લોકતંત્રની હત્યા થઈ રહી હોવાની કમેન્ટ પણ કરી છે. ઘણાએ ચૂંટણી પંચના સચિવને આ ઘટનાઓ બાદ ભારત રત્ન આપવાની ટીખળ પણ કરી છે.
વીડિયો ગેરમાર્ગે દોરી રહ્યો છે?
અખિલેશના આ વાયરલ વીડિયો વાયરલ થતાંની સાથે જ ઘણા યુઝર્સે અમુક સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર રજૂ કર્યા છે અને કહ્યું હતું કે, ‘અખિલેશ યાદવ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ સંપૂર્ણ વીડિયો દોઢ મિનિટનો હતો. પરંતુ તેમાં સંપૂર્ણ સત્ય ઉજાગર થઈ રહ્યું હોવાથી તેમણે તેને ક્રોપ કરી 22 સેકેન્ડનો વીડિયો લોકો સમક્ષ રજૂ કર્યો છે.’
શું હતી વાસ્તવિકતા?
સોશિયલ મીડિયા પર આ જ ઘટનાના અમુક વીડિયો વાયરલ થયા છે. પોલીસ કર્મીઓએ મીરાપુરના વિસ્તારોમાં પથ્થરમારાની ઘટનાઓ બનતાં પોલીસે નાકાબંદી કરી હતી. આ ઘટના બાદ વીડિયોમાં રહેવાસીઓ મત આપવા જવાની માગ કરતાં બહાર આવ્યા હતા. જેમને પોલીસે અટકાવ્યા હતાં. એક યુઝરે દોઢ મિનિટનો સંપૂર્ણ વીડિયો રજૂ કરતાં કહ્યું છે કે, ‘અખિલેશ ભાઈએ આ વીડિયો પહેલાં દોઢ મિનિટનો મૂક્યો હતો. પરંતુ પછી તેમને ખબર પડી કે, પથ્થરમારો થઈ રહ્યો છે, તો તેમણે વીડિયો ક્રોપ કરી લોકોને ગેરમાર્ગે દોરતો વીડિયો રજૂ કર્યો કે, ક્યાંક પોલ ન ખુલી જાય.’