કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ડાયાબિટીસ, ઈન્ફેક્શન, એલર્જી જેવી અનેક બીમારીઓની 41 દવા સસ્તી થશે
Medicine Rate Reduced : કેન્દ્ર સરકારે ડાયાબિટીસ, ઈન્ફેક્શન, એલર્જી સહિત અનેક બીમારીઓમાં ઉપયોગ થતી દવાઓની કિંમતોને લઈ રાહતનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 41 દવાઓ અને 6 ફોર્મ્યુલેશનની કિંમતો નિર્ધારીત કરી છે. આ પછી સુગર, પેઈન, હાર્ટ, લીવર, એન્ટાસીડ, ઈન્ફેક્શન, એલર્જી, મલ્ટીવિટામીન, એન્ટીબાયોટીક્સની કિંમતો નક્કી કરાઈ છે. સરકારે કિંમતોમાં ફેરફાર કરતા 41 દવાઓ સસ્તી થશે અને તમારે આ દવાઓ માટે વધુ ખર્ચ ચુકવવો નહીં પડે.
દવાઓના ભાવ ઘટાડવા NPPAની બેઠકમાં લેવાયો નિર્ણય
નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NPPA)ની 143મી બેઠક યોજાઈ હતી, જેમાં દવાઓના ભાવ ઘટાડવા સહિતના નિર્ણયો લીધા બાદ ગેજેટ નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયું છે. એનપીપીએ ભારત સરકારની રેગ્યુલેટરી એજન્સી છે અને તે દેશમાં ફાર્માસ્યુટિકલ દવાઓની કિંમતો પર નિર્ણય કરે છે.
ભારતમાં ડાબાબિટીસના 10 કરોડથી વધુ દર્દી
દેશમાં દાયાબિટીસના દર્દીઓની વાત કરીએ તો, આવા કુલ 10 કરોડ દર્દીઓ છે. આ ઉપરાંત વિશ્વભરમાં સૌથી વધુ દર્દી ધરાવતા દેશોમાં પણ ભારત આગળ છે. દેશમાં ડાયાબિટીસની બિમારી સામાન્ય બાબત બની ગઈ છે. આ બિમારીના કારણે દવાઓથી લઈને ઈન્સ્યુલિન પર નિર્ભર રહેતા પીડિત લોકોને NPPAના નિર્ણયથી રાહત મળશે.
41 દવાઓ સસ્તી થતા મળશે રાહત
સામાન્ય રીતે ઈન્ફેક્શન, એલર્જી અથવા મલ્ટીવિટામિન અને એન્ટીબાયોટિક્સ દવાઓની કિંમત વધુ હોય છે, જેના કારણે સામાન્ય સારવારનો ખર્ચ પણ વધુ થાય છે. તેથી 41 દવાઓની કિંમતોમાં ઘટાડો થતા સામાન્ય લોકોને મોટી રાહત મળશે.
ફેબ્રુઆરીમાં પણ દવાઓ સસ્તી કરાઈ હતી
આ પહેલા એનપીપીએએ ફેબ્રુઆરીમાં 69 દવાઓની કિંમતો ઘટાડી હતી, જેમાં ડાયાબિટીસ અને હાઈપરટેન્શનની દવાઓ પણ સામેલ હતી. એનપીપીએએ બીમારીઓમાં ઉપયોગ થતી 69 દવાઓના ફોર્મ્યૂલેશનની છૂટક કિંમતો નિર્ધારીત કરી હતી અને 31 ફોર્મ્યૂલેશનવાળી દવાઓની કિંમતો પર નિર્ણય લીધો હતો.